Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

ભાજપ ૧ લાખ વોટ્‍સએપ ગ્રુપ બનાવશે : ૧ાા કરોડ લોકોનો સંપર્ક આંગળીના ટેરવે

ગુજરાત ભાજપ લોકસભાની ચૂંટણીમાં સોશ્‍યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાની તૈયારીમાં:બુથ દિઠ કાર્યકરો અને મતદારોનું અલગ-અલગ ગ્રુપ બનાવવા સૂચના : દરેક ગ્રુપમાં ૧૦૦ થી ૨૫૦ સભ્‍યો : સંગઠન અને સરકારની વાતો પ્રજા સુધી પહોંચાડાશે

રાજકોટ તા. ૩૧ : ગુજરાતમાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં પ્રચારના જુદા-જુદા માધ્‍યમોનો ઉપયોગ કરવાની તૈયારી ચાલી રહી છે. હાલ સોશ્‍યલ મીડિયા પ્રચારનું શકિતશાળી માધ્‍યમ હોવાથી પાર્ટી દ્વારા રાજ્‍યમાં બુથ દીઠ બબ્‍બે વોટ્‍સએપ ગ્રુપ બનાવવાની સુચના તમામ સ્‍થાનિક એકમોને આપવામાં આવી છે. એક લાખથી વધુ વોટ્‍સએપ ગ્રુપ દ્વારા એક સાથે દોઢ કરોડ જેટલા લોકો સુધી મેસેજ પહોંચાડવાની ભાજપની કલ્‍પના છે.

ભાજપના વર્તુળોના જણાવ્‍યા મુજબ હાલ રાજ્‍યમાં ૫૨ હજાર જેટલા બુથ છે. બુથ દીઠ ઓછામાં ઓછું એક વોટ્‍સએપ ગ્રુપ કાર્યકરોનું અને એક વોટ્‍સએપ ગ્રુપ મતદારોનું બનાવવા જણાવાયું છે. તે અંગેની કામગીરી આરંભી દેવામાં આવી છે. એક વોટ્‍સએપ ગ્રુપમાં ૧૦૦ થી ૨૫૦ કાર્યકરો અથવા મતદારોના નામ સમાવાશે. બંને ગ્રુપ અલગ-અલગ રહેશે. કાર્યકરોને પાર્ટીના કાર્યક્રમોની માહિતી વોટ્‍સએપ પર આપવામાં આવશે. લોકોને રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારની સિધ્‍ધીઓથી મોબાઇલ મારફત વાકેફ કરવામાં આવશે. અમુક મેસેજ કાર્યકરો અને મતદારો બંનેને લાગુ પડે તે પ્રકારના હશે. ક્‍યારેક વિપક્ષોને જવાબ આપવા માટે પણ વોટ્‍સએપ મેસેજ સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે.

એક વોટ્‍સએપ ગ્રુપમાં સરેરાશ ૧૫૦ લોકોનો સમાવેશ કરવામાં આવશે તો બાવન હજાર બુથ દીઠ એક લાખથી વધુ ગ્રુપ બનશે. એક સાથે દોઢેક કરોડ લોકો સુધી પળવારમાં પાર્ટી કે સરકારની વાત પહોંચાડવાનો ભાજપનો ઇરાદો છે. જો ભાજપની કલ્‍પના મુજબ વોટ્‍સએપ ગ્રુપની વ્‍યવસ્‍થા ગોઠવાઇ તો રાજકીય પાર્ટીનું મોબાઇલ આધારીત પ્રચારનું સૌથી મોટું નેટવર્ક બનશે

(5:17 pm IST)