Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વેપાર-ધંધા માટે ફરજિયાત વેક્સિન લેવા બાબતે વેપારી સંગઠનમાં અલગ અલગ સુર

જીસીસીઆઇએ વેક્સિન લેવાના નિર્ણયની સમયમર્યાદા લંબાવવા માંગ કરી:ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની તારીખ લંબાવવાના બદલે મિશન મોડમાં ઝુંબેશ ઉપાડવા રજૂઆત

અમદાવાદ : વેપાર-ધંધા માટે 31 જુલાઇ સુધીમાં ફરજિયાત વેકસીન લેવાનો સરકારે નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારબાદ તેમની સામે પગલાં લેવાની જાહેરાત કરી હતી. પરિણામ સ્વરુપે જ સરકાર તરફથી ગત રવિવારે અને આ રવિવારે સ્પેશ્યલ વેકસીનેશન ફોર વેપારી તથા ધંધા માટે રાખ્યો છે. તેમ છતાં વેક્સિનના કારણે ઘણાં લોકો બાકી હોવાથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ 31 જુલાઇની તારીખ લંબાવીને 15મી ઓગસ્ટ રાખવા માટે સરકારને રજૂઆત કરી છે.

બીજી તરફ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને તારીખ આપવાના બદલે સોસાયટી, મહોલ્લા તેમ જ કોલોનીમાં રાત્રે વેકસીન અંગે મિશન મોડમાં ઝુંબેશ ઉપાડવા માંગણી કરી છે. આમ વેક્સિનેસન અંગે વેપારી સંગઠનો વચ્ચે મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીને કાબૂમાં કરવા માટેનો એકમાત્ર વિકલ્પ વેકસીન છે તે અમો ચોક્કસપણે માનીએ છીએ.

એટલે જ અમોએ વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરી હતી. અને સૈ વેપાર-ધંધાર્થીઓને વેકસીન લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પરંતુ વેકસીનના અભાવ હોવાથી આ વેક્સિનેશન ડ્રાઇવને અમે દૈનિક ધોરણે ચાલુ રાખી શક્યા નથી.

આ જ રીતે અન્ય વેપાર ઉદ્યોગના એસોસીએસનોએ પણ તેમના સભ્યોને વેકસીન લેવા પ્રોત્સાહિત કર્યા છે પરંતુ તેમને પણ પુરતી માત્રા વેક્સિન ઉપલબ્ધ થઇ રહી નથી. તેથી આવા સંજોગોમાં 31 જુલાઇમાં વેક્સિન ન લઇ શકવાના કારણે તેમની પ્રવુત્તિઓ ચાલુ રાખવામાં દેવામાં નહીં આવે તો તેમને ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડશે તેમજ આને કારણે બેરોજગારી પણ સર્જાશે.

તેથી વેપાર-ધંધા માટે 31 જુલાઇથી વેક્સિન લેવી ફરજિયાત કરવાના નિર્ણયને 15મી ઓગસ્ટ સુધી લંબાવવા વિનંતી કરી છે. તેની સાથે વેક્સિનેશન કેમ્પ દૈનિક ધોરણે ચલાવી શકાય તે માટે વેક્સિનનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરી છે.

બીજી તરફ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજયભરના વિવિધ વેપારી સમાજના સંગઠનોનો અત્યારસુધીના સહિયારા પ્રયાસો છતાં 1 લાખના ટાર્ગેટ સામે સરેરાશ 60,000 રસીનો દેનિક લક્ષ્ય સિધ્ધ થતો નથી. તો હવે વેપારીઓ કે વ્યવસાયીઓ કે કોઇ ચોક્કસ વર્ગ માટે તારીખ નક્કી ન કરતાં સમગ્ર નાગરિકો માટે રોજના મહત્તમ વેક્સિન કરવામાં આવે છે તે જ રીતે મિશન મોડમાં ઝુંબેશ ચલાવવી જોઇએ.

દિવસના સમય ઉપરાંત રહેણાંક વિસ્તારમાં પણ ચોક્કસ મહોલ્લામાં રાત્રિના 8થી 11 સુધી કેમ્પ કરી જે તે વિસ્તારની સામાજિક સંસ્થાઓ સાથે રાખીને રસીકરણની પ્રજાકીય ચળવળ શરૂ કરવી જોઇએ. કોલોની, સોસાયટી, મહોલ્લાના અગ્રણીઓને જોડવા જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, હવે જયારે તજગ્યોના મતે ત્રીજી લહેર દરવાજા ખખડાવી રહી છે ત્યારે યુધ્ધના ધોરણે સરકાર અને નાગરિકો સાથે આવે તે આવશ્યક છે. વેપારીઓ સમાજને લગતાં આ પ્રકારના ગંભીર પ્રશ્નોમાં સરકાર સાથે રહીને પ્રયત્નશીલ રહેશે.

(8:48 pm IST)