Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજની કાલે બપોરે બે કલાકે અંત્યેષ્ટિ

દેશભરની પવિત્ર નદીઓ અને ભગવાન સ્વામીનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું તેના જળથી સ્વામીજીના દિવ્ય વિગ્રહ ઉપર અભિષેક કરાશે : તીર્થજળથી અભિષેક બાદ અંતિમયાત્રા શરૂ થશેઃ રાજકોટના શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદી શાસ્ત્રોકત રીતે અંતિમવિધિ કરાવશે

રાજકોટઃ યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે દેશ-વિદેશથી ભકતોનો અવિરત પ્રવાહ આજે ચાલુ રહ્યો હતો. આજે દર્શનનો છેલ્લો દિવસ છે. આવતીકાલે તા.૩૧ના રોજ સવારથી જ અંત્યેષ્ટિ માટેની શાસ્ત્રોકત વિધિઓ શરૂ કરવામાં આવશે. અંત્યેષ્ટિની આ શાસ્ત્રોકત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવવામાં આવશે. રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ. વજુભાઈ ત્રિવેદીના પૌત્ર શ્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે.

અંત્યેષ્ટિ વિધિ અંગે વાત કરતાં શ્રી કૌશિકભાઈ શાસ્ત્રીએ જણાવ્યું છે કે, શાસ્ત્ર કથન અનુસાર મનુષ્ય જીવનમાં સોળ સંસ્કાર કરવાના હોય છે. જેમાં અંતિમ સોળમો સંસ્કાર અંત્યેષ્ટિ છે. જે દેવઋણ, મનુષ્યઋણ અને ગુરૂઋણમાંથી મુકિત અપાવે છે. પરમ પૂજ્ય સ્વામીજીના અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. દેશભરની પવિત્ર નદીઓ તેમજ ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું તેનાં જળથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહ પર અભિષેક કરવામાં આવશે. શાસ્ત્રોકત મંત્રોના ગાન વચ્ચે વડીલ સંતો દ્વારા આ અભિષેક થશે. પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ઉપરાંત હૃદયસ્થ આત્માના પ્રતિનિધિરૂપ ષટપિંડ પૂજન થશે.

ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુ ભગવાનના પ્રતિનિધિરૂપ શાલિગ્રામજીની પૂજા કરવામાં આવશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતના પુરુષસૂકતમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે. પંડિતો દ્વારા પુરુષ સૂકતના શ્લોકોનું સતત ગાન કરવામાં આવશે.

 ભગવાન શ્રી રામે પિતા દશરથજી માટે વનમાં આ વિધિ કરી હતી. તેમજ ભગવાન શ્રી કૃષ્ણે યાદવકુળ માટે આ રીતે શાસ્ત્રોકત વિધિ કરી હતી. તેવું પણ શાસ્ત્રીજીએ કહયું હતું. શાસ્ત્રોકત વિધિથી અભિષેક પૂર્ણ થયા બાદ વિશેષ પાલખીમાં પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ પાલખીમાં પધરાવવામાં આવશે.

મંદિરની પ્રદક્ષિણા બાદ અંત્યેષ્ટિ સ્થળે લીમડાવનમાં અંતિમયાત્રા પહોંચશે. ત્યાં પણ પુરુષસૂકતના શ્લોકોના ગાન વચ્ચે વિધિ કરવામાં આવશે. અંત્યેષ્ટિ માટે ચંદન, કેર, ઉમરો, પીપળો, સવન, તુલસી અને પરમ પૂજ્ય સ્વામીજીને પ્રિય નીમવૃક્ષનાં કાષ્ટનો ઉપયોગ થશે. અખંડ દીપથી ચિતા પ્રજ્વલિત કરવામાં આવશે. પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહને ચરણકમળથી અગ્નિનો સ્પર્શ કરાવીને ચિતા પ્રજ્વલિત કરાશે. દિવસ દરમિયાન પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહના દર્શનાર્થે પહોંચીને શ્રધ્ધાંજલિ આપનારા મહાનુભાવોમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રાજકોટ જિલ્લા પંચાયત શ્રી ભુપતભાઇ બોદર, મોટીવેશનલ સ્પીકર શ્રી સંજયભાઇ રાવલ વગેરેનો સમાવેશ થાય છે. 

(2:44 pm IST)