Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કોરોના સંક્રમિત થયા બાદ યુવકને ૧૮ વર્ષ જૂની ભૂલનો આવ્યો ખ્યાલ : બાળપણમાં ગળી ગયો હતો પેનની નિબ

ગાંધીનગર,તા. ૩૧:  કોરોના સંક્રમિત યુવકનો સીટી સ્કેન કરતા તેને ૧૮ વર્ષ જૂની બીમારીનો ખ્યાલ આવ્યો છે અને તેની આ ભૂલને લઈને ડોકટર્સ પણ મુશ્કેલીમાં મૂકાયા છેકહેવાય છે ને કે બાળપણની અનેક ભૂલો લાંબા સમયે તમને નુકસાન કરે છે. આવી એક ઘટનાનો શિકાર ૩૨ વર્ષનો એક યુવક બન્યો છે. તે ૧૮ વર્ષનો હતો ત્યારે પેનની નિબ ગળી ગયો હતો. આ નિબ તેના ફેફસામાં ફસાઈ ગઈ હતી. હાલમાં ડોકટર્સે તેને કાઢી લીધી છે. નિબના ફસાઈ જવાના કારણે આ યુવક વર્ષો સુધી અસ્થમાની બીમારીથી પીડાતો રહ્યો. બાળપણની આ ભૂલ તેને ભારે પડી. અગાઉ તેનો એકસરે કરાવાયો હતો પણ તેમાં કંઈ સામે આવ્યું ન હતું. આ સમયે ઘરના લોકોએ માન્યું કે નિબ શરીરમાંથી નીકળી ગઈ હશે.

કોરોના સંક્રમિત થતાં આ યુવકને ફેફસા સંબંધિત બીમારીઓએ ઘેરી લીધો. તેમાં જૂની ખાંસી અને શ્વાસ લેવામાં થતી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. અનેક હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ પણ અસ્થમા હોવાનું સામે આવ્યું. છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં કોરોના સંક્રમિત થયા બાદ સ્થિતિ ઘણી બગડી હતી. સતત ખાંસી અને શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણે તેને કોચ્ચિની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો.કોરોનાની સ્થિતિની તપાસ કરવા ડોકટર્સે સીટી સ્કેન કરાવવા કહ્યું. આ સમયે તેમને ફેફસાના નીચેના ભાગમાં લોખંડની વસ્તુ દેખાઈ. વધારે સારવાર માટે તેને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયો અને અહીં ડોકટર્સે સર્જરી વિના જ બ્રોંકોસ્કોપિક પ્રક્રિયાની મદદથી પેનની નિબને હટાવી.

ડોકટર્સે કહ્યું કે નિબ ૧૮ વર્ષથી ફેફસામાં ફસાયેલી હતી તેના કારણે તેની પર કાટ આવી ગયો હતો. તેને હટાવવું જરૂરી હતું. આ પછી તેની બ્રોંકોસ્કોપી કરાઈ. એક દિવસ દેખરેખમાં રાખ્યા બાદ તેને રજા આપવામાં આવી. હવે તે સરળતાથી શ્વાસ લઈ શકે છે. ૧૮ વર્ષ પહેલાની ભૂલ કોરોનાના કારણે સામે આવી અને હવે રાહતનો શ્વાસ લીધો. 

(2:44 pm IST)