Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ગાંધીનગરના શેરથા નજીક ઓનલાઇન સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી જુગારની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યોર પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી આવા જુગારના સ્થળોએ દરોડા પણ પાડવામાં આવી રહયા છે. જુગારની સાથે હવે ક્રિકેટ સટ્ટાની પ્રવૃતિ પણ વધી છે ત્યારે પોલીસ દ્વારા તેને ડામવા માટે પણ મથામણ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.વિજયસીંહને બાતમી મળી હતી કે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર શેરથા કટ પાસે એક શખ્સ મોહક સુમનભાઈ પ્રજાપતિ રહે.કલોલ સુથારવાસ, કલ્યાણપુરા ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમી રહયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો અને મોબાઈલ ચેક કરતાં ભારત શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચ ઉપર સટ્ટો રમી રહયો હતો. તેની પાસેથી રોકડ રૃપિયા અને મોપેડ મળી ર૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહેસાણાનો અજય પ્રજાપતિ નામનો શખ્સ મોબાઈલમાં યુઝર આઈડી અને પાસવર્ડ નાંખી આપ્યા હતા જેના આધારે તે સટ્ટો રમતો હતો. હાલ તો પોલીસે બન્ને સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(4:34 pm IST)