Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ગાંધીનગર શહેર નજીક રાંધેજા ગામમાં ગ્રાહક સુરક્ષા કેન્દ્રના નામે ચીટિંગ કરી 50 હજારની માંગણી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:જિલ્લામાં સરકારી અમલદારનો રોફ જમાવીને અસામાજીક તત્વો તોડબાજી કરતા હોય છે ત્યારે ઘણા કિસ્સામાં જાગૃત નાગરિકો આવા ગઠીયાઓને પકડી પણ પાડતાં હોય છે ત્યારે આવી જ એક ઘટના ગત મહિનામાં રાંધેજામાં બની હતી. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-૪/બી, પ્લોટ નં.૪૯૫/૧માં રહેતાં વીરલભાઈ રમેશચંદ્ર સોલંકીના બહેન સોનલબેન વિકલાંગ છે અને તેમના નામે રાંધેજા ખાતે સોનલ ગેસ એજન્સી આવેલી છે જે છેલ્લા ર૦ વર્ષથી કાર્યરત છે. ગત તા.૯ ફેબુ્રઆરીના રોજ સવારના સમયે આ એજન્સીના ધમાસણા ખાતેના ગોડાઉન ખાતે જાગૃતિબેન રમણભાઈ પટેલ રહે.૩૦૪, મારૃતિનંદન ફલેટ રાંધેજા, હિતેશભાઈ કાંતિભાઈ પટેલ રહે.વિજયનગર સોસાયટી માણસા, બાબુભાઈ કચરાભાઈ પરમાર રહે.પલીયડ કલોલ પહોંચ્યા હતા અને ત્યાં હાજર કર્મચારી રાજેન્દ્રસિંહે  વીરલભાઈને જાણ કરતાં તેઓ પણ ધમાસણા પહોંચ્યા હતા. જયાં આ વ્યક્તિઓએ તેઓ ગાંધીનગરજિલ્લા ગ્રાહક સુરક્ષા કેન્દ્ર તરફથી આવ્યા હોવાની વાત કરી હતી અને તેમની ગેસ એજન્સી સામે ર૦૦ જેટલી ફરીયાદો આવી હોવાથી કલેકટરે અમને તપાસ માટે મોકલ્યા છે તેમ કહયું હતું. જેના પગલે કાર્યવાહી કરવી પડશે તેમ કહેતાં વીરલભાઈ ગભરાયા હતા અને થોડા સમય પછી બાબુભાઈ તેમને ગોડાઉન પાછળ લઈ ગયા હતા અને પતાવટ પેટે પ૦ હજારની માંગણી કરી હતી અને આ રૃપિયા રાંધેજા ખાતેની ઓફીસે આપી જવા કહયું હતું. બીજા દિવસે રાંધેજામાં રહેતા વિનોદભાઈ વિષ્ણુભાઈ પટેલે વીરલભાઈને ફોન કરીને કહયું હતું કે એજન્સી ઉપર ગ્રાહક સુરક્ષાની રેડ કરનાર જાગૃતિબેન અમારી પાડોશમાં રહે છે અને કેસ પતાવવો હોય તો જાગૃતિબેન અને હિતેશભાઈ સાથે મુલાકાત કરાવી આપું. ત્યારબાદ મુલાકાત થઈ હતી અને પતાવટ પેટે ૪પ હજાર રૃપિયા નકકી થયા હતા. જો કે વીરલભાઈને કોઈ કારણ વગર આ લાંચની રકમ આપવી નહોતી જેથી કરીને અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને તા.૧પ ફેબુ્રઆરીના રોજ જાગૃતિબેન અને હિતેશભાઈ વતી ૪પ હજારની લાંચ લેનાર વિનોદ પટેલને ઝડપી લીધો હતો.જો કે એસીબી દ્વારા તપાસ કરવામાં આવતાં આમાંથી એકપણ વ્યક્તિ સરકારી અધિકારી કે કર્મચારી અથવા તો ગ્રાહક સુરક્ષા સાથે કોઈ લેવાદેવા નહીં હોવાનું જણાયું હતું. જેના પગલે હવે આ તમામ આરોપીઓ સામે પેથાપુર પોલીસ મથકમાં છેતરપીંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્રનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બળજબરીથી નાણાં પડાવવા સંદર્ભે પણ કલમ ઉમેરવામાં આવી છે.

 

(4:35 pm IST)