Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ઉત્તર ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી : સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે : અંબાલાલ પટેલ

બંગાળની ખાડીમાં એક લો-પ્રેસર સીસ્ટમ સક્રિય બનતા મધ્યપ્રદેશ અને ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે : રાજસ્થાન, ઉત્તર મધ્ય ગુજરાત અને રાજ્યના અન્ય વિસ્તારમાં પણ વરસાદની શક્યતા

અમદાવાદ :  ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 35.34% વરસાદ વરસી ચૂક્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ત્રણથી ચાર દિવસના સમયમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રિપોર્ટ અનુસાર બંગાળની ખાડીમાં લો-પ્રેસર સીસ્ટમ સક્રિય થઇ છે.જેના કારણે સૌરાષ્ટ્રમમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની અને ઉત્તર ગુજરાતમાં આગમી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઇને માછીમારીને દરિયો ન ખેડવા જવા માટે સુચન કરવામાં આવ્યું છે.

 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં એક લો-પ્રેસર સીસ્ટમ સક્રિય બની છે. જેના કારણે મધ્યપ્રદેશ અને ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજસ્થાન, ઉત્તર મધ્ય ગુજરાત અને રાજ્યના અન્ય વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે

વિધ્ય પર્વતમાં વરસાદના કારણે નર્મદા નંદી બે કાંઠે વહેશે તેવું અંબાલાલ પટેલનું કહેવુ છે. અંબાલાલ પટેલ દ્વારા 2થી 10 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના મહેસાણા, સિદ્ધપુર, મહેસાણા, વિસનગર, પાલનપુર, સાબરકાંઠા, બેચરાજી, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 2થી 4 ઇંચ સુધી વરસાદ થાય તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું હતું કે આ વરસાદનું પાણી ખેતી માટે સારું ગણાતું નથી. તેથી લીલી જમીનમાં કૃષિ કાર્યો ન કરવા જોઈએ. કૃષિ પાકમાં જીવાત પડવાની સંભાવતા હોવાના કારણે પાક સંરક્ષણના પગલાં લેવા જોઈએ. ઉત્તર ગુજરાતની સાથે કચ્છના કેટલાક ભાગોમાં 1થી 2 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અત્યાર સુધીમાં રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં 33.30% વરસાદ પડી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 33.38% વરસાદ પડી ચૂક્યો છે. કચ્છમાં 31.61% વરસાદ વરસી ચૂક્યો છે અને દક્ષિણ ગુજરાતમાં 35.24% વરસાદ વરસી ચૂક્યો છે.

(11:11 pm IST)