Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

અમદાવાદ યુવતીની છેડતી કરનાર ત્રણ લુખ્ખાઓએ યુવતીને બચાવનાર યુવકની આંગળી કાપી નાંખતા ચકચાર

અમદાવાદ: રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા માટે કાયદામાં કડક જોગવાઈઓ કરી તેની જરૂરિયાતનો હોવાનો અનુભવ 28 વર્ષીય યુવતીને થયો હતો.બાપુનગરના પેટ્રોલ પંપથી યુવતીનો પીછો કરતા ત્રણ રોડ રોમિયોનો પ્રતિકાર કરનાર યુવકની લુખ્ખાઓએ આંગળી કાપી નાખી હતી. પોલીસે સમયસર પહોંચી એક આરોપીને ઝડપી લીધો હતો. આરોપીઓ રોડ પર યુવતીનો પીછો કરી ભિભત્સ કોમેન્ટ પાસ કરતા હતા.

ગોમતીપુર વિસ્તારમાં રહેતી નયના (નામ બદલ્યું છે) એક્ટિવા પર આજે સવારે વિવેકાનંદ એસ્ટેટ ખાતે તેની નોકરીના સ્થળે જવા નીકળી હતી. બાપુનગર પ્રકાશ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે રોડ પર એક્ટિવા પર આવેલા ત્રણ યુવકોએ જાનેમન કયાં જાય છે? આથી નયનાએ આગળ આવો તમને બતાવું તેમ કહી એક્ટિવા રખિયાલ ચાર રસ્તા પાસે પોલીસ પાસે ઉભી કરી તે તરફ લીધું હતું.

પોલીસ જોઈ આરોપીઓ રવાના થઈ ગયા હતા. આથી નયના પોતે સુરક્ષિત હોવાનું માનીને વિવેકાનંદ એસ્ટેટ પહોંચી હતી. દરમિયાન ત્રણે લોકો ફરી ત્યાં આવ્યા અને નયના પર કોમેન્ટ કરી બિભસ્ત અપશબ્દો બોલવા લાગ્યા હતા. તે સમયે નયનાની બહેનનો દિયર તેની મદદે આવ્યો પણ આરોપીઓએ તેને મારમાર્યો હતો. સ્થાનિકો ભેગા થયા અને નયનાએ પોલીસને ફોન કરતા આરોપીઓ ભાગ્યા હતા.

જો કે, થોડા સમય બાદ પરત ત્રણે આરોપીઓ એક્ટિવા લઈ સ્થળ પર આવ્યા અને નયનાની બહેનના દિયર પર ચાકુથી હુમલો કર્યો હતો. તે સમયે દીનેશ નામના યુવકે આરોપીનો પ્રતિકાર કર્યો હતો. લુખ્ખાઓએ દીનેશની હાથની આંગળી કાપી ભાગ્યા હતા. દરમિયાનમાં પોલીસ આવી જતા પ્રકાશ સતીષ લિબોડા રહે બાપુનગરને પકડ્યો હતો.

જ્યારે તેના બે સાગરીતો ફરાર થઈ ગયા હતા. પોલીસે નયનાની ફરિયાદને પગલે પ્રકાશ સહિતના ત્રણે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:17 pm IST)