Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વેટ વિભાગને વધારાના ટેકસની રકમ જપ્તીની સત્તા નથી, કરદાતા રિફંડનો હકદાર : હાઇકોર્ટ

અમદાવાદ,તા.૩૧ : રેવન્યૂ વિભાગને એકસેસ(વધારાના) ટેકસની રકમને જપ્ત કરી લેવાની કોઇ સત્તા ન હોવાથી જે તે કરદાતા રિફ્ંડ મેળવવાનો હકદાર હોવાનું ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે ઠરાવ્યું છે. એક ખાનગી કંપનીએ હાઇકોર્ટમાં કેસ કર્યો હતો કે કંપનીએ વેટ ટ્રિબ્યૂનલમાં કરેલી અપીલમાં ટ્રિબ્યૂનલે ૧.૮૨ કરોડનું રિફ્ંડ કરવાનો આદેશ કર્યો હતો. તેમ છતાંય વેટ વિભાગ ટ્રિબ્યૂનલના આદેશનો અમલ કરતી નથી. તેથી તેને આદેશ કરવામાં આવે કે વધારાની ટેકસની રકમ રિફ્ંડ કરવામાં આવે.

અરજદાર કંપનીએ હાઇકોર્ટમાં રિટ કરીને એવી રજૂઆત કરી હતી કે સેન્ટ્રલ સેલ્સ ટેકસ વિભાગને તેમણે ચાર ટકાના બદલે ૧૦ અને ૧૨.૫ ટકાના દરે ટેકસની ચુકવણી કરી હતી. તેથી તેમણે જે વધારાના ટેકસની ચુકવણી કરી હતી તે પરત મેળવવાના તેઓ કાયદા મુજબના હકદાર છે. પરંતુ વિભાગે તેમને રિફ્ંડ કર્યું નથી. તેથી ઓથોરિટીને આદેશ કરીને તેમને ટેકસની વધારાની રકમ પરત ચુકવવાનો હુકમ કરવાની માગ કરવામાં આવી હતી. રિટમાં એવી રજૂઆત કરાઈ હતી કે, કંપનીને રિફ્ંડ મેળવવાનો હક છે અને આ સમગ્ર મામલે તેમણે ગુજરાત વેલ્યૂ એડેડ ટેકસ ટ્રિબ્યૂનલ, અમદાવાદમાં અપીલ પણ કરી હતી.  આ અપીલમાં ટ્રિબ્યૂનલે વેટ વિભાગને આદેશ કરીને રૂ.૧.૮૨ કરોડ રિફ્ંડ કરવાનું કહ્યું હતું. તેમ છતાંય વેટ વિભાગ ટ્રીબ્યુનલના આદેશનો અમલ કરતી ન હોવાથી હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડયા છે.

(10:48 am IST)