Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સીઆઇડી વડા તરીકે આપેલુ વચન આશિષ ભાટિયાએ મુખ્ય ડીજીપી બન્યા બાદ પણ પૂર્ણ કર્યુ

નવનિયુકત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ટીમે ગુમ થયેલા ૯૦ બાળકો શોધી કાઢયા : રર દિવસની સ્પેશ્યલ ડ્રાઇવમાં પોલીસે ૫૩૩ બાળકો શોધી કાઢયા :ભાવનગર જીલ્લાના ર૦ : રાજકોટ ગ્રામ્યના ૧૭ બાળકોનો પત્તો રેન્જ વડા અશોક યાદવ ટીમે જયારે રાજકોટ રેન્જ ડીઆઇજી સંદીપસિંહના માર્ગદર્શનમાં બલરામ મીણા ટીમને પણ સફળતા : અમરેલીની ૨૦૧૬માં લાપત્તા બનેલી કિશોરી પણ ડ્રાઇવ દરમિયાન મળી આવી : પડકારરૂપ કાર્યમાં પ્રગતીના પ્રગરણ મંડાતા વિજયભાઇ રૂપાણી અને પ્રદીપસિંહ જાડેજા પ્રસન્ન

રાજકોટ, તા., ૩૧: ગુજરાતભરમાંથી  વિવિધ શહેરો અને જીલ્લાઓમાંથી ગુમ થયેલા સગીર વયના કિશોરો અને બાળકોને  શોધી કાઢવા માટે કેન્દ્ર અને રાજય સરકારને સીઆઇડી વડા તરીકે આશીષ ભાટીયા દ્વારા અપાયેલ વચન તેઓએ મુખ્ય પોલીસ વડા બન્યા બાદ પણ પાળી બતાવ્યું છે. ૨૨ દિવસની એક સ્પેશ્યલ ડ્રાઇવનું આ માટે આયોજન કરી ૫૩૩ જેટલા બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે.

ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં સુરતના નવનિયુકત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ટીમે પણ ભારે સક્રિયતા  સાથે સંવેદનશીલતા દાખવી ૯૦ જેટલા ગુમ થયેલા સગીર બાળકો અને કિશોરોને શોધી કાઢયા છે. અત્રે યાદ રહે કે અમદાવાદના પોલીસ કમિશ્નર પદે જયારે આશીષ ભાટીયા હતા તે સમયે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર  પદે અજયકુમાર તોમર હતા આ બંન્નેની કાર્યદક્ષ જોડીએ અમદાવાદમાં ઐતિહાસિક કામગીરી બજાવવા સાથે પોલીસનું મનોબળ વધાર્યુ હતું.

વિવિધ જીલ્લાઓમાંથી ગુમ થયેલા બાળકો પૈકી બનાસકાંઠાના જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ ટીમ દ્વારા ૪૫, દાહોદના  એસપી હિતેષ જોઇસરના માર્ગદર્શન હેઠળ ૪ર, ગોધરા જીલ્લામાંથી ૨૧, મહેસાણા જીલ્લામાંથી ૨૦, જયારે ભાવનગર રેન્જ વડા અશોક યાદવના માર્ગદર્શન હેઠળ એસપી ટીમ દ્વારા ર૦ બાળકો, જયારે સુરત રેન્જ વડા રાજકુમાર પાંડીયનના માર્ગદર્શન હેઠળ સુરત એસપી ઉષા રાડા ટીમ દ્વારા ર૪, અરવલ્લી જીલ્લાના ૧૯, જયારે રાજકોટના  રેન્જ ડીઆઇજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ બલરામ મીણા ટીમે ૧૭ બાળકો શોધી કાઢયા હતા.

ગુમ થયેલા બાળકોની સાથોસાથ કેટલાક  વણઉકેલ્યા ગુન્હાનો ભેદ પણ ઉકેલ્યો હતો. અમરેલી જીલ્લામાંથી ૨૦૧૬માં ગુમ થયેલી ૧૪ વર્ષની કિશોરી કે જેના અપહરણનો ગુન્હો દાખલ થયેલ તેને પણ ભાવનગર રેન્જ વડા અશોક યાદવના માર્ગદર્શનમાં અમરેલી એસપી નિર્લિપ્ત રાય ટીમે ઝડપી લીધા હતા. આ જ રીતે બોર્ડર રેન્જના વડા જે.આર.મોથલીયાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસ દ્વારા દોઢ વર્ષ પહેલા ગુમ થયેલ એક કિશોરીને પણ શોધી કાઢવામાં આવી હતી. આમ પોલીસની માનવતાભરી અને સંવેદનશીલતા ભરી કામગીરી માટે આશીષ ભાટીયા યશના અધિકારી બન્યા છે. ખુદ સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આવી સફળતાથી પ્રસન્ન થયા છે.

(12:37 pm IST)