Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

'સાત પગલા ખેડૂત કલ્યાણ'ના સૂત્ર સાર્થક કરવા સરકારના આગે કદમઃ નીતિન પટેલ

કડી કપાસ માર્કેટમાં ખેડૂત સંમેલન-સરદાર પટેલની પ્રતિમાનું અનાવરતા

મહેસાણા જિલ્લાના કડી ખાતે કોટન માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના હસ્તે અનાવરણ કરાયેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા.૩૧: મહેસાણા જિલ્લાના કડી કોટન માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા ખેડુત સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજયના ખેડુતોના સર્વાંગી વિકાસ માટે 'સાત પગલાં ખેડૂત કલ્યાણના.'  સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં રાજય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. રાજયના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજનાની રાજય સરકારે જાહેરાત કરી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યુ હતું કે સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવાનો પરિણામલક્ષી નિર્ણય અમે કર્યો છે. તેમણે ઉમેર્યુ કે કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઈઝના ગુડ્ઝ કેરિયર વાહન ઉપર સહાય આપવાની આ સરકારે શરૂઆત કરી છે. ફળ,શાકભાજીનું છૂટક વેચાણ કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો માટે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપવા માટે તેમને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મુકી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના પગલે નાના વ્યવસાયકારોની મુશ્કેલી દુર કરવા માટે રાજય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ રાજયભરમાં કરોડો રૂપિયાની લોન બે ટકાના વ્યાજ દરે આપવામાં આવી છે. આ યોજનામાં નાગરિકો વતી છ ટકા વ્યાજ સરકાર દ્વારા ચુકવાવમાં આવે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણથી આવન-જાવન કરતા નાગરિકોને પ્રેરણા મળશે. દેશ એકતા અને અખંડિતા સાથે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વિશ્વગૂરૂ બનવા  જઇ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ કડી કોટન માર્કેટયાર્ડના મુખ્યપ્રવેશ દ્વાર તેમજ કોટન માર્કેટ યાર્ડના પ્રવેશદ્વાર પર સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત કડી કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડુતોના હિતમાં ૧૦૦ ટન વે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સંસદશ્રી શારદાબેન પટેલ, રાજયસભા સંસદ સભ્યશ્રી જુગલજી ઠાકોર,ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લાના અધિકારી, પદાધિકારીઓ, અગ્રણીઓ, પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:00 pm IST)