Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

બુધવારથી શ્રાધ્ધઃ કર્મકાંડી બ્રાહ્મણો કોરોનાના લીધે વતન જતા પિતૃ તર્પણમાં મુશ્કેલી

શિવજીના ભકતોને શ્રાવણ માસમાં તકલીફ પડેલીઃ રેલ્વેમાં ટીકીટ ન મળતા યુપી-બિહારના પંડીતજીઓ પરત ફરી શકતા નથી : પંડીતો ભોજન કરવામાં ખચકાટ અનુભવે છેઃ કન્ટેટમેન્ટ ઝોનમાં આવન-જાવન બંધ હોવાથી પિતૃ કાર્ય નહીં થઇ શકેઃ આ વર્ષે યજમાનો જ જાતે જ શ્રાધ્ધ કરવા પડશે

સુરત, તા.૩૧: આ વખતે પિતૃ માસમાં લોકો માટે વિધિવત રીતે તર્પણ કરવું સહજ નહીં હોય. કોરોના કાળમાં કર્મકાંડી બ્રાહ્મણો તર્પણ માટે યજમાનના ઘરે જતા અચકાય છે. આ સિવાય યુપી-બિહારના કર્મકાંડી બ્રાહ્મણો લોકડાઉનમાં પોતાના વતન પરત ફરી ચૂકયા છે અને પાછા આવવા રેલ્વેની ટીકીટો નથી મળતી. ઉપરાંત સ્થાનિક બ્રાહ્મણો બહાર નીકળવાથી પરહેજ કરી રહ્યા છે. સાથો-સાથ માઇક્રો કંટેનમેન્ટ વિસ્તારોમાં કોઇ આવી જઇ શકતુ ન હોવાથી બ્રાહ્મણોને બોલાવી શકાતા નથી.

શ્રાધ પક્ષને લઇને લોકો પંડીતોને ઘરે આવી પૂજા કરવાનો આગ્રહ કરી રહ્યા છે. પણ કોરોનાને કારણે પંડીતો ઘરેથી જ પૂજા-પાઠ કરવાની સલાહ આપી રહ્યા છે. વાત રહી ભોજનની તો બ્રાહ્મણો ઘરે જ ભોજન (ટીફીન) અને દાન-દક્ષીણા મોકલવા કહી રહ્યા છે.

કર્મકાંડી બ્રાહ્મણોના વતન પરત ફરવાથી શ્રાવણ માસ દરમિયાન શિવભકતોને મુશ્કેલીઓ પડી હતી. દર વખતે નિયમિતરૂપે શ્રાવણમાં શિવજીને અભિષેક કરનાર અનેક ભકતો આ વર્ષે કોરોનાને કારણે અભિષેક કરી શકયા ન હતા.શ્રાધ્ધ ૨ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર સુધી પંદર દિવસ રહેશે. આ દિવસોમાં શ્રધ્ધાપૂર્વક જળ ચડાવી સ્તુતી કરી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો મુજબ જે લોકો નિયમિત પિતૃઓને જળ ચડાવે છે તેમના વંશની વૃધ્ધિ થાય છે અને નિયમપૂર્વક શ્રાધ્ધ કરનાર પરાજીત નથી થતા.સુરત પરત આવવા માંગતા પંડીત અરૂણ શુકલા મુજબ અમને રીઝર્વેશન નથી મળતુ ઉપરાંત જયપુરના પંડીત દામોદર શર્માએ જણાવેલ છે આ વર્ષે લોકોએ પોતે જ પિતૃઓનો શ્રાધ્ધ કરવો પડશે. જો કર્મકાંડી બ્રાહ્મણ આ પરિસ્થિતીમાં ન મળે તો પરિજનો જાતે જ પિતૃ તર્પણ કરી શકે છે.

(3:44 pm IST)