Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

RTEમાં ૯૬ હજાર બેઠકો માટે ૨ લાખથી વધુ ફોર્મ ભરાયા

રાજકોટ, તા. ૩૧ : ભારત સરકાર દ્વારા આર્થિક ગરીબ - મધ્યમ વર્ગના બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. દર વર્ષે ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવે છે. ગુજરાતમાં ઓગષ્ટ માસથી આરટીઈ હેઠળ પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થયો છે.

ગુજરાત રાજયમાં ધો.૧માં રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) નિયમ હેઠળ પ્રવેશ માટેની કાર્યવાહી અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સમગ્ર ગુજરાત રાજયમાં આરટીઈમાં ૯૬ હજાર બેઠક માટે ૨ લાખથી વધુ પ્રવેશ ફોર્મ ભરાયા છે.ગુજરાત રાજયના જિલ્લા મથકોએ આજથી ઓનલાઇન પ્રવેશ માટે ભરાયેલા પ્રવેશ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.કોવિડ-૧૯ની સ્થિતિમાં આરટીઈ હેઠળ પ્રવેશ કાર્યવાહી ત્રણ માસ મોડી શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજયમાં આવેલી ખાનગી શાળાઓમાં ધો.૧માં કુલ બેઠકના ૨૫ ટકા બેઠક આરટીઈના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની હોય છે. જે મુજબ આ વર્ષે રાજયમાં ૯૬ હજાર બેઠક ઉપર આરટીઈ અંતર્ગત ધો.૧માં પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરટીઈ હેઠળ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ચકાસણી તા.૭ સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. આ કાર્યવાહી બાદ પ્રવેશ માટે ચિત્ર સ્પષ્ટ થશે. આરટીઈ પ્રવેશ માટે ૧૧ સપ્ટેમ્બરના પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે.રાજકોટમાં કુલ ૫૩૪૬ બેઠકો ઉપર આરટીઈ હેઠળ ૧૩૪૦૩ પ્રવેશ ઈચ્છુોએ પ્રવેશ ફોર્મ ભર્યા છે. ફોર્મની ચકાસણી ચાલુ થઈ છે.

(3:45 pm IST)