Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વડોદરા:કેરોસીનવાળા કપડાં પહેરી દૂધ ગરમ કરવું વૃદ્ધાને ભારે પડ્યું: ગેસ શરૂ કરતા જ શરીર પર આગ લાગી જતા મૃત્યુ નીપજ્યું

વડોદરા:ઘરમાં વરસાદી પાણીના કારણે મચ્છર ન થાય તે માટે દીવાલો પર કેરોસીનવાળુ બ્રશ મારતી વેળા વૃધ્ધાના કપડાં પર કેરોસીન લાગ્યું હતું. બ્રશ માર્યા પછી દૂધ ગરમ કરવા વૃધ્ધાએ ગેસ ચાલુ કરતા તેઓ આખા શરીરે દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, અકોટાની કૈલાસપાર્ક સોસાયટીમાં રહેતા દિનકરભાઇ ચંદુલાલ નાયક ભાવનગરની કોલેજમાં પ્રોફેસર હતાં. તેમનો એક પુત્ર કેતન ડોક્ટર છે, જે અગાઉ  સયાજી હોસ્પિટલમાં જ નોકરી કરતો હતો. કેતનની પત્ની પૂર્વાંગીબેન ભાવનગરની હોસ્પિટલમાં ડોક્ટર છે.

૧૦ દિવસ પૂર્વે પડેલા ધોધમાર વરસાદના કારણએ દિનકરભાઇના મકાનમાં પાણી ભરાયા હતાં. પાણી ઉતર્યા પછી મચ્છરોનો ઉપદ્રવ ના થાય તે માટે દિનકરભાઇની પત્ની સરોજબેને (ઉ.વ.૮૦) દીવાલો પર કેરોસીન વાળુ બ્રશ માર્યું હતું. તે સમયે થોડું કેરોસીન તેમના કપડા પર લાગ્યું હતું. બ્રશ માર્યા પછી સરોજબેને દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કર્યો હતો. તે વેળા ગેસની ઝાળથી તેમના કપડા કેરોસીનવાળા હોવાથી તરત ઝાળ લાગતા સરોજબેન આખા શરીરે સખત રીતે દાઝી ગયા હતા. તેમને ગત ૧૮મી તારીખે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું ગઇકાલે મોત થયું છે.

(5:35 pm IST)