Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

નડિયાદ-કપડવંજ રોડ નજીક જમીન બાબતે બે જૂથો સામસામે આવ્યા:પોલીસ ફરિયાદ દાખલ

નડિયાદ:નડિયાદ-કપડવંજ રોડ બિલોદરા ગામની સીમમાં આવેલ સર્વ નં.૧૪૨-૨ વાળી જમીન છેલ્લા કેટલાક સમયથી વિવાદનું કેન્દ્ર બની છે. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ સંદિપભાઇ પટેલ અને અરજણભાઇ સોઢા બંને આ જમીન પર પોતાનો દાવો કરી રહ્યા છે. પરંતુ સંદિપભાઇ પટેલ દ્વારા જમીન પર હક્ક મેળવી પ્લોટીંગનું કામ શરૂ કરી દેવાયુ છે. ગત તા.૨૯ ઓગસ્ટના રોજ તેઓ પોતાની જમીન પર કામ કરી રહ્યા હતા દરમ્યાન અરજણભાઇ સનાભાઇ સોઢા અને ગોવિંદભાઇ અરજણભાઇ સોઢા ત્યા આવી પહોચ્યા હતા જ્યા તેઓએ સંદિપભાઇને ધમકી આપી હતી કે તું માટી પુરાણ બાબતે કેમ ભુસ્તર વિભાગને બાતમીઓ આપે છે. તેમ કહી સંદિપભાઇ પર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે સંદિપભાઇ પટેલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોધાવી છે.

તો સામા પક્ષે અરજણભાઇ સનાભાઇ સોઢાએ પણ પોતાની ફરીયાદમાં જણાવ્યુ છેકે આરોપી ભુપેન્દ્રભાઇ ગોરધનભાઇ પટેલ, સંદિપભાઇ ગોરધનભાઇ પટેલ અને કનુભાઇ ઉદેસિહ સોઢાનાઓએ સર્વ નં.૧૪૨-૨ વાળી જમીનમાં ગેરકાયદેસર પુરાણ કરી માટીકામ કરાવી તેમના મળતીયાઓ સાથે ભળી અમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મહત્વની વાત છેકે છેલ્લા ૩ માસમાં આ જમીન બાબતે આજ બંને જુથ વચ્ચે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા બાબતે બે વાર ફરીયાદો દાખલ થઇ છે. ત્યારે આવનાર સમયમાં જમીનનો કકળાટ કોઇનો ભોગ લે તે પહેલા પોલીસ કાયદેસર કાર્યવાહી કરે તે જરૂરી છે.

(5:41 pm IST)