Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

પ્રતિષ્ઠિત અમૂલ ડેરી ઉપર કોંગ્રેસે આધિપત્ય મેળવ્યું

ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઈ : ચેરમેનપદે કોંગ્રેસના રામસિંહ પરમાર, વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા

અમદાવાદ,તા.૩૧ : વિશ્વભરમાં જાણીતી બનેલી આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ૨૯મી ઓગસ્ટને શનિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૧૧ બેઠકો માટે ૩૧ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. હવે આ ચૂંટણીના પરિણામો આવી ગયા છે. મતગણતરી બાદ ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ કારમો પરાજય થયો હતો. જ્યારે હાલમાં ચેરમેન રામસિંહ પરમાર તથા વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા છે. અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો પૂર્વ ચેરમેનની પેનલનો વિજય થયો છે. જેમાં ખંભાત બેઠક પર સીતાબેન પરમાર, આણંદ બેઠક પર કોંગ્રેસના એમએલએ કાંતિ સાઢો પરમાર, બાલાસિનોરમાં પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક, માતરમાં કોંગ્રેસના સંજય પટેલની જીત થઈ છે.

નોંધનીય છે કે અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂટંણીમાં ૯૯.૯૧ ટકા મતદાન થયું હતું. ખેડા, આણંદ અને મહિસાગર જિલ્લાના કુલ ૧૦૪૯માંથી ૧૦૪૬ મતદારો મત આપવા માટે આવ્યા હતા. આ બેઠકોમાં આણંદ, ખંભાત, પેટલાદ, બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, માતર તથા વિરપુર બેઠકોમાં ૧૦૦ ટકા મતદાન થયું હતું. કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં શાંતિપૂર્ણ પ્રક્રિયાથી મતદાન સંપન્ન થયું હતું. જેમાં અમૂલ ડેરીના કેમ્પસમાં થર્મલ સ્ક્રીનિંગ, સેનિટાઈઝેશન, માસ્ક સહિતની વ્યવસ્થા સાથે ગાઈડલાઈન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું. જોકે ચૂંટણી દરમિયાન ડેરીની બહાર ગેટ પર સમર્થકોના ટોળા એકઠા ઉડતા નિયમોના લીરેલીરા ઉડ્યા હતા.

(7:58 pm IST)