Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

અમદાવાદ મનપાએ કરદાતાઓને 116 કરોડનું વળતર આપ્યું

સરકારના 20 ટકા ડિસ્કાઉન્ટ પેટે 80 કરોડ તથા AMCએ 10 ટકા લેખે 36 કરોડ આપ્ચા

અમદાવાદ: કોરોના મહામારીના પગલે લોકડાઉનના કારણે આ વર્ષે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્ષની આવક અગાઉના વર્ષો કરતાં ઘટી હતી. આ આવકમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર તરફથી ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું છે.જે કરદાતા 31 ઓગસ્ટ સુધીમાં 2020-21નો પ્રોપર્ટી ટેક્ષ ભરી દેશે તેને 20 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરેલી હતી. તે જ રીતે કોર્પોરેશન તરફથી પણ બિન રહેણાંક એટલે કે કોમર્શીયલ તથા રહેણાંક મિલ્કતનો ટેક્ષ 31 ઓગસ્ટ સુધી ભરી દેશે તેના માટે 10 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી.

આમ સરકાર અને કોર્પોરેશનની ડિસ્કાઉન્ટ યોજના પેટે કોર્પોરેશને કરદાતાઓને કુલ 116 કરોડ રૂપિયાનું રિબેટ આપ્યું હતું. તેમાંથી માત્ર સરકારની આત્મનિર્ભર યોજના અંતર્ગત બિન રહેણાંકવાળી મિલ્કતના કરદાતાઓને આજે 31 ઓગસ્ટ સુધીમાં 80 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ (રિબેટ) આપ્યું છે. જયારે કોર્પોરેશને બિન રહેણાંક તથા રહેણાંક મિલ્કતના કરદાતાઓને કુલ 36 કરોડ જેટલું રિબેટ આપ્યું હતું.

આજે બંને ડિસ્કાઉન્ટની યોજના પૂર્ણ થઇ છે. હવે કોર્પોરેશન દ્રારા રાજય સરકાર તરફથી અપાયેલી રિબેટની રકમ 80 કરોડ સરકાર પાસેથી મેળવવા રજૂઆત કરવામાં આવશે.

રાજય સરકારની ગુજરાત આત્મનિર્ભર પેકેજના 20 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. તે મુજબ કોર્પોરેશને આજદિન સુધીમાં 80 કરોડ રૂપિયાનો લાભ પ્રજાને આપ્યો છે. એટલે કે બિન રહેણાંક મિલ્કતના ધારકોએ 400 કરોડ રૂપિયા પ્રોપર્ટી ટેક્ષ પેટે ભર્યા હોવાનું થાય છે.

કરદાતાઓને આકર્ષવા માટે કોર્પોરેશને પણ બિન રહેણાંક મિલ્કતના કરદાતાને 2020-21 સુધીનો પ્રોપર્ટી ટેક્ષ પુરેપુરો ભરીને માંગણું શૂન્ય કરાવશે તેમને સરકારના 20 ટકા બાદ થયા પછી બાકીની રકમ પર વધુ 10 ટકા એડવાન્સ ટેક્ષ રીબેટ આપવાની જાહેરાત કરી છે. આમ સોને પે સુહાગાં જેવી ઓફર કરી હતી. સરકારના 20 ટકા ઉપરાંત 10 ટકા આપવાની કરેલી જાહેરાત પેટે 30 કરોડની રકમ કોર્પોરેશને કરદાતાઓને રિબેટ પેટે ચુકવી છે.

તે જ રીતે રહેણાંકવાળી મિલ્કત ધારકોને એડવાન્સ ટેક્ષ ભરનારાને દર વર્ષની માફક 10 ટકા ડિસ્કાઉન્ટની યોજના પણ 31 ઓગસ્ટ સુધી અમલમાં હતી. તેમાં 6 કરોડ રૂપિયા રહેણાંક મિલકતના કરદાતાઓને ચૂકવી છે.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા દર વર્ષે પ્રોપર્ટી ટેક્ષ ઉઘરાવવામાં આવે છે.વળતર ચાલુ નાણાંકીય વર્ષમાં 1/4/2020થી 31/8/2020 સુધીમાં કોર્પોરેશનને 538.78 કરોડની આવક થઇ છે.

કયા પ્રકારનો કેટલો ટેક્ષ વસૂલ્યો

ટેક્ષનો પ્રકાર

આવક ( કરોડમાં )

 

 

પ્રોપર્ટી ટેક્ષ

538.78

પ્રોફેશનલ ટેક્ષ

59.66

વ્હીકલ ટેક્ષ

17.85

કુલ

646.29

ગત વર્ષની સરખામણીમાં કેટલો ટેક્ષ ઉઘરાવ્યો

2019 20માં કુલ 1340. 02 કરોડની કુલ આવક થઇ હતી. તેની સરખામણીએ ઓગસ્ટ 20 સુધીમાં 616.29 કરોડની આવક થઇ છે. એટલે કે પ્રોપર્ટી ટેક્ષમાં ગત વર્ષની સરખામણીએ 50 ટકા, પ્રોફેશનલ ટેક્ષમાં 33 ટકા અને વ્હીકલ ટેક્ષમાં 21 ટકા આવક થઇ છે.

હજુ જો કે કોર્પોરેશન (Amdavad Municipal Corporation) પાસે ચાલુ નાણાંકીય વર્ષ 2020-21ના સાત મહિના બાકી છે.

કયા પ્રકારના કેટલાં કરદાતાની સંખ્યા

રહેણાંક કરદાતા

4,39,280

 

 

બિન રહેણાંક કરદાતા

32,932

 

 

કુલ કરદાતા  

6,72,212

 

(11:42 pm IST)