Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ભાજપ સંગઠન અને સરકાર વચ્ચે સંકલન સાધવા બે મંત્રીઓની નિયુક્તિ

દરેક વિભાગના પ્રશ્નોને આ મંત્રીઓ સાંભળીને સંબંધિત વિભાગને મોકલી આપશે

 

અમદાવાદ: ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે સરકારના બે મંત્રીઓ જ ભાજપના કાર્યકરોને સાંભળીને તેમના પ્રશ્નો ઉકેલવામાં સક્રિય ભૂમિકા ભજવશે. આ મંત્રીઓ અન્ય વિભાગના પ્રશ્નો સંબંધિત વિભાગોને મોકલીને તેના ઉકેલ માટે સંકલન કરશે.

તેઓ પ્રવાસમાં કે અન્ય કારણોસર હાજર રહી શકે તેમ નહીં હોય તેવા સમયે જ બીજા મંત્રીઓને બોલાવવામાં આવશે તેવું હાલ પુરતું નક્કી કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

સરકારમાં ધારાસભ્યોને રજૂઆત કરવા માટે સપ્તાહમાં મંગળવારનો દિવસ ફાળવવામાં આવ્યો છે.પરંતુ કાર્યકરોને સાંભળવા કે રજૂઆત માટે કોઇ ચોક્કસ દિવસ ફીક્સ ન હતો.ત્યાં સુધી કે કાર્યકરોના કામો નહીં થતાં હોવાથી કાર્યકરોમાં ભાજપ પ્રત્યે નારાજગી હતી.

આ નારાજગી દૂર કરવા તાજેતરમાં જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકર્તાઓની રજૂઆતને સાંભળવા અને ઝડપી નિરાકરણ માટે વિધાનસભા સંકુલ સ્થિત મંત્રીઓના કાર્યાલયની સાથે સાથે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પણ દર અઠવાડિયે સોમવારે અને મંગળવારે કાર્યકર્તાઓ અને જનતાના પ્રશ્નો અને રજૂઆતને રાજ્ય સરકારના મંત્રી સાંભળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને રજુઆત કરી હતી.

જેને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સમગ્ર કેબિનેટે માન્ય રાખી હતી અને તા.24-08-2020 સોમવારથી આ નવીન વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે.

આ વ્યવસ્થાના ભાગરુપે સરકાર તરફથી બે મંત્રીઓની ફાળવણી કરવામાં આવી હતી.દર સોમવારે કૌશિક પટેલ તથા મંગળવારે મંત્રી જયદ્રથસિંહ પરમાર ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપશે.ભાજપના આગેવાનો તથા કાર્યકરોના પ્રશ્નો તેમ જ રજૂઆત સાંભળીને સરકારના સંબંધિત વિભાગોને તે મોકલી આપશે.નક્કી થયા મુજબ આજે સોમવારે મહેસુલ મંત્રી કૌશિક પટેલ ફરીવાર ભાજપ કાર્યાલય ખાતે આવ્યા હતા.તેમની સમક્ષ કાર્યકરોએ તેમના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

કેટલાં લોકોએ રજૂઆત કરી હતી તે અંગેનો આંકડો ભાજપ તરફથી સત્તાવાર જાહેર કરાયો નથી.આવતીકાલે મંગળવારે મંત્રી જયદ્રથસિંહ પરમાર ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપશે.આ બંને મંત્રીઓ કેટલાં દિવસો સુધી આવશે તે અંગે હજુ કાંઇ નક્કી કર્યું નહીં હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.

(12:18 am IST)