Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમદાવાદમાં કોરોનાના વધતા કહેર છતાં મનપા ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલનું કરશે આયોજન

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ સમિક્ષા બેઠક કરી

અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરાએ જણાવ્યું કે, કોરોના ગાઈડલાઈનનું તમામ લોકોએ પાલન કરવું જરુરી છે.

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલે કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ સમિક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં ચીફ સેક્રેટરી પંકજકુમાર,અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર હતા

અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ રિવરફ્રન્ટ પર યોજનાર ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલને લઈ જણાવ્યું છે કે, કોરોનાની ગાઈડલાઈનનું તમામ લોકોએ પાલન કરવાનું રહેશે. શહેરમાં દરરોજ 15 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે જે લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે તે તમામ લોકોની તપાસ કરવામાં આવશે. શહેરીજનોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધતા પ્રજામાં ફરી એક વાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ એએમસી દ્વારા 1 જાન્યુઆરીથી ફ્લાવર શો તેમજ પતંગ મહોત્સવનું પણ આયોજન કરવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને ભારે ભીડ પણ જોવા મળતી હોય છે. જો અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો વધશે તો સાબરમતી રિવરફ્રન્ટ કોરોનાનું એપી સેન્ટર બનશે.

(11:35 pm IST)