Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુશાસન સપ્તાહ નિમિત્તે શ્રમ અને રોજગાર વિભાગના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું : અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં મુખ્ય મંત્રીશ્રીએ યુવાનોને પ્રતિકરૂપે રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કર્યા : મુખ્યમંત્રીના હસ્તે છોટા ઉદયપુર આઇ.ટી.આઇ.ના નવનિર્મિત ભવનનું લોકાર્પણ: એપ્રેન્ટીસ સ્ટાઇપેન્ડ રીએમ્બર્સમેન્ટ મોડ્યુલનો શુભારંભ : આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને સંસ્થાકીય સ્ટાઇપેન્ડનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોન્ચિંગ : રાજ્ય શ્રમયોગી લાભાર્થીઓને “ઇ-શ્રમ” કાર્ડનું વિતરણ

સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સમાં ગુજરાત પ્રથમ નંબરે : દેશમાં રોજગાર સર્જનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રમમેવ જયતેના સૂત્ર થકી શ્રમનો મહિમા વધાર્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સુંદર , સરળ અને લોકાભિમુખ શાસન એટલે સુશાસન : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ : યુવાનોની કારકિર્દી ઘડતર અને તેમને પગભર બનાવવામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અહમ ભૂમિકા :રાજ્ય સરકારના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજા

રાજકોટ તા.૩૦  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન સપ્તાહ અંતર્ગત અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતે સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સ આંકમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે,  કોઈ પણ રાજ્ય- રાષ્ટ્રના વિકાસ માટે પાયાની શરત એ ગુડ ગવર્નન્સ છે. અને ગુજરાતે ગુડ ગવર્નન્સના ક્ષેત્રે નવા માપદંડો પ્રસ્થાપિત કર્યા છે. તેમણે ઉમેર્યું કે, અર્થવ્યવસ્થા, માનવ સંસાધન, માળખાગત સુવિધા, સમાજ કલ્યાણ અને સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 

મુખ્યમંત્રીશ્રીએ સુશાસન સપ્તાહ નિમિત્તે ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીનું પણ સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રમમેવ જયતેનું સૂત્ર આપી શ્રમનો મહિમા વધાર્યો છે અને યુવાનોના બાવડાના બળે આત્મનિર્ભર ભારત અને નયા ભારતનો સંકલ્પ કર્યો છે. તેમણે આ અવસરે એમ પણ ઉમેર્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ “હર હાથ કો કામ, હર કામ કો સન્માન” નું સૂત્ર ચરિતાર્થ કર્યું છે. 

મુખ્યંમંત્રીશ્રીએ ગૌરવભેર જણાવ્યું કે, નવી સદીનો આ કાળખંડ ભારત માટે નવી તકો લઈને આવ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે યુવાશક્તિને કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવા અભિયાન થકી વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરી રહ્યા છીએ.  

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, સ્કીલ હ્યુમન રિસોર્સ એ આજના સમયની આવશ્યકતા છે અને ગુજરાત તે દિશામાં મક્કતાથી આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પગલે ગુજરાતમાં ઉદ્યોગો સ્થપાતા કૌશલ્યવાન યુવાનોની જરૂરિયાત ઉભી થઈ છે, ત્યારે તેને અનુલક્ષીને ગુજરાત સરકારે નવા અભ્યાસક્રમો પણ શરુ કર્યા છે. 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે , સુશાસન સપ્તાહમાં આજનો દિવસ આપણે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારને સમર્પિત કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે એવી શ્રમ-શાંતિ એટલે કે લેબર પીસનો પણ ઉલ્લેખ કર્યો હતો.  

મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને આહવાન કરતાં કહ્યું કે, હું ઈચ્છું છે કે ગુજરાતના વિકાસમાં યુવાનો સહભાગી બને અને આ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતની વિકાસયાત્રામાં વધુને વધુ યુવાનોને જોડી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ અંગેની પૂર્વભૂમિકા આપતા કહ્યં કે, ગુજરાતની રોજગાર કચેરી દ્વારા આ વર્ષે કુલ. 1.67 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે અને આ આંકડો છેલ્લા પાંચ વર્ષમાં 17.31 લાખનો રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે મેગા જોબ ફેર, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના જેવા યુવા રોજગારલક્ષી અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું  કે, આજે આપણે 3 હજારથી વધુ યુવાનોને એપ્રન્ટિસશીપ કરારના નિમણૂંકપત્રો આપ્યા છે અને 2021-22માં કુલ 38 હજારથી વધુ યુવાનોને એપ્રેન્ટીસશીપ કરારના નિમણુંકપત્રો આપવામાં આવ્યા છે. 

સુશાસન સપ્તાહના છઠ્ઠા દિવસે આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ , એપ્રેન્ટિસ સ્ટાઈપેન્ડ રિએમ્બર્સમેન્ટ મોડ્યુલનો શુભારંભ, આઈ.ટી.આઈ સંસ્થાકીય સ્ટાઈપેન્ડનું ડિજિટલ ગુજરાતપોર્ટલ પર લોન્ચિંગ , આઈ.ટી.આઈના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં 33 સ્થળોએ રોજગાર વિતરણ પત્ર અને ઈ-શ્રમ કાર્ડના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે સુંદર , સરળ અને લોકાભિમુખ શાસનને સુશાસન ગણાવીને રાજ્ય સરકારની જન્મથી મરણ સુધીની લાભાન્વિત કરતી યોજનાઓ સુશાસનની પરિકલ્પના સાકાર કરતી હોવાનું જણાવ્યું હતું. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈજીએ સુશાસનના ચિંધેલા માર્ગ પર ચાલીને લોકાભિમુખ શાસનની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે. જે પરિપાટી પર ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં થયેલ સર્વાંગી વિકાસના કારણે જ આજે ગુજરાત સુશાસન આંક માં મોખરે રહ્યું છે. વિવિધ પ્રાંતમાંથી રોજગારી અર્થે રાજ્યમાં આવીને વસેલા લોકોને પણ ગુજરાત રાજ્યે હરહંમેશ આવકાર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યમાં નવા ઉદ્યોગો અને રોજગારીની તકોનું સર્જન કરશે. વાઇબ્રન્ટ ગુજરાતના આયોજન થી જ રાજ્યને વૈશ્વિક ફલક પર નામના મળી હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા એ કાર્યક્રમના સંદર્ભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના દીન શ્રમિકોને "શ્રમયોગી" તરીકે નવાજ્યા હોવાનું જણાવી કાશી મંદિર નિર્માણ સાથે જોડાયેલા શ્રમયોગીઓ સાથે વડાપ્રધાન શ્રીએ ભોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. 

રાજ્ય સરકારનું શ્રમ અને રોજગાર વિભાગ યુવાનોની કારકિર્દી ઘડતરમાં અને તેમને પગભર બનાવવામાં અહમ ભૂમિકા ભજવી રહ્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. 

રાજ્યમાં યુવાનોના કૌશલ્યવર્ધન ક્ષેત્રમાં વધારો કરવા “ધ સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી” ટૂંક જ સમયમાં કાર્યરત થઈ રહી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના અંદાજિત ૫૦ હજાર યુવાનોને રોજગાર નિમણૂક પત્રો અને આશરે ૩૦ હજાર યુવાનોને એપ્રેન્ટીસ કરાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પણ પ્રતીકરૂપે યુવાનોને રોજગાર પત્રને એપ્રેન્ટીસ પત્રથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત કાર્યક્રમમાં  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ સર્વ શ્રી કિરીટભાઈ સોલંકી, નરહરિભાઈ અમીન, ધારાસભ્ય સર્વશ્રી બાબુભાઈ પટેલ, રાકેશભાઇ શાહ, સુરેશ પટેલ, કિશોર ચૌહાણ, બલરામ થાવાણી, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,અમદાવાદ શહેર મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલિયા, અગ્રણી શ્રી કણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ સહિતના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(4:28 pm IST)