Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અખિલ ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદની ચૂંટણીમાં પ્રો. રમેશ મકવાણાનો ભવ્ય વિજય

સમગ્ર દેશમાં સાત હજાર મતદાતાઓ ધરાવતાં સંગઠનમાં ગુજરાતમાંથી એકમાત્ર સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસરે ૬૧૪ મતોથી જીત મેળવીઃ શિક્ષણલક્ષી તથા સમાજલક્ષી કાર્યો માટે સદાય તત્પર રહેવાનો કોલ

રાજકોટ તા. ૩૧ :.. સમગ્ર ભારતમાં સાત હજાર સભ્યો-મતદાતાઓ - પ્રોફેસરોનું સંગઠન 'અખિલ ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદ' ની ઓનલાઇન વોટીંગ સાથેની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મેનેજીંગ કમિટીમાં ગુજરાતની વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના પ્રો. (ડો.) રમેશભાઇ મકવાણા (મો. નં. ૯૮ર૪૧ પપ૯૦૩) એ ૬૧૪ મતોથી વિજય મેળવ્યો હતો. સંગઠ્ઠનની  હાલની મેનેજીંગ કમિટીમાં સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા પ્રો.(ડો. રમેશ મકવાણા કદાચ એક માત્ર છે. સમગ્ર દેશમાંથી ૧પ પ્રોફેસરોએ પાંચ જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી હતી અને ર૦ દિવસ સુધી ઓનલાઇન વોટીંગ ચાલ્યું હતું. પોતાની ભવ્ય જીત બદલ પ્રતિક્રિયા આપતા પ્રો. રમેશ મકવાણાએ અકિલાને જણાવ્યું હતું કે સમગ્ર દેશના સમાજશાસ્ત્ર વિષયના પ્રોફેસરોએ પોતાનામાં મુકેલા વિશ્વાસને ખરા અર્થમાં સાર્થક કરવાનો ઉત્તમ પ્રયત્ન કરશે. સાથે-સાથે શિક્ષણલક્ષી તથા સમાજલક્ષી કાર્યો માટે સદાય તત્પર રહેવાનો કોલ આપ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે શિક્ષણ, સંશોધન તથા સમાજ કલ્યાણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર જુનાગઢ જીલ્લાના માળીયા હાટીનાના ખંભાળીયા ગામના મુળ વતની અને પી.એચ.ડી. ગાઇડ રમેશ મકવાણાને ભૂતકાળમાં યુવા સમાજશાસ્ત્રી તરીકેનો એવોર્ડ તથા ડો. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ અને રૂપિયા એક લાખ ગુજરાત સરકાર તરફથી એનાયત થયેલા છે. ઉપરાંત પૂજય મોરારીબાપુના વરદ હસ્તે પણ સન્માન અને એવોર્ડ એનાયત થયા હતા. તેઓએ ૬ જેટલા યુ.જી.સી. રીસર્ચ પ્રોજેકટ પણ પૂર્ણ કર્યા છે.

(4:05 pm IST)