Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સુરતના અડાજણ-પાલ વિસ્‍તારમાં ધો.1માં અભ્‍યાસ કરતો તનય પટેલ પતંગ ચગાવતી વખતે અગાસી ઉપરથી 70 ફુટ નીચે પટકાતા મોત

બીજા લોકોને જોઇને પતંગની જીદ કરતા પિતાએ પતંગ લાવી આપી અને જીંદગી ભરખી લીધી

સુરત: ઉત્તરાયણના દિવસો જેમ જેમ નજીક આવે છે તેમ તેમ અકસ્માતોના બનાવની શરૂઆત થાય છે. ત્યારે સુરતમાં પતંગ ચગાવતા બાળકનો ભોગ લેવાયો છે. સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં ધો 1 માં અભ્યાસ કરતો બાળક પતંગ ચગાવતા સમયે અગાસીમાંથી નીચે પટકાયો હતો. જેમાં બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં બનેલી આ ઘટના છે. આ વિસ્તારમાં રહેતા હિરેનભાઈ પટેલ એગ્રિક્લચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકની ફરજ બજાવે છે. તેમને સંતાનમાં તનય નામનો એક દીકરો અને દીકરી છે. તનય  ધોરણ-1માં અભ્યાસ કરતો હતો. પરિવાર આ વિસ્તારમાં આવેલ નીલકંઠ એવન્યુમાં રહતો હતો. ઉત્તરાયણ નજીક હોવાથી ગુરુવારની સાંજે તનય તેની બહેન અને કેટલાક મિત્રો સાથે અગાશીમાં પતંગ ચગાવતો હતો. આવામાં તેનુ ધ્યાન રહ્યુ ન હતું અને તે એપાર્ટમેન્ટની અગાશી પરથી નીચે પટકાયો હતો. લગભગ 60 થી 70 ફૂટ નીચે પટકાતા તનય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

તનયની આવી હાલત જોઈને તરત એપાર્ટમેન્ટના રહેવાસીઓ દોડીને આવ્યા હતા. તો હિરેનભાઈના પત્ની પણ દોડી આવ્યા હતા. તેને હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાયો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ જાણી પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. પોતાની દીકરાની આવી હાલત જોઈને માતાનું આક્રંદ ભારે બની રહ્યુ હતું.

જિંદગીમાં પહેલીવાર પતંગ પકડ્યો હતો

પરિવાર પાસેથી જાણવા મળ્યુ કે, નાનકડા તનયે જિંદગીમાં પહેલીવાર જ પતંગ પકડ્યો હતો, અને એ જ પતંગે તેનો ભોગ લીધો હતો. 6 વર્ષના તનયે બીજા લોકોને જોઈ પતંગની જીદ કરી હતી. જેથી તેના પિતાએ તેને ગુરુવારે પહેલીવાર પતંગ લાવી આવ્યો હતો. પરંતુ એ જ પતંગ તેની જિંદગી ભરખી ગયો હતો.

(5:07 pm IST)