Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સુરત:ફેસબુક પર નોકરીની લિંક જોઈ માહિતી ફિલઅપ કરવી યુવાનને ભારે પડી:ભેજાબાજ 3 લાખ લૂંટી ગયા

સુરત: ફેસબુક પર એરલાઇન્સમાં નોકરીની લીંક જોઇ માહિતી ફીલઅપ કરનાર સચિન-ઉનના મેટ્રેસ વેપારીને રજીસ્ટ્રેશન, ઓનલાઇન પરીક્ષા, યુનિફોર્મ સહિત અલગ-અલગ ચાર્જીસના નામે રૂ. 3,54,422 પડાવી લઇ ઠગાઇ કરનાર ભેજાબાજ વિરૂધ્ધ સચિન જીઆઇડીસી પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

ઉનની રાહત નગર સોસાયટીમાં રહેતા મેટ્રેસ વેપારી આસીફ આરીફ પીંજારા (ઉ.વ. 22) એ ગત ઓગસ્ટમાં ફેસબુક પર ઇન્ડિગો એરલાઇન્સમાં નોકરીની લીંક ઓપન કરી મોબાઇલ નંબર સહિત માહિતી ફીલઅપ કરતા બીજા દિવસે અજાણ્યા નંબર પરથી ટેક્સ મેસેજ આવ્યો હતો. મેસેજમાં જણાવેલા મોબાઇલ નંબર પર આસીફે પોતાનો આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ વ્હોટ્સએપ કર્યા હતા. ત્યાર બાદ પુનઃ એક મેસેજ આવ્યો હતો જેમાં આકાશ નામની વ્યક્તિનો મોબાઇલ નંબર હતો અને જોબ કન્ફર્મેશન લેટર માટે રૂ. 2500 ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જેથી આસીફે રૂ. 2500 ગુગલ પે થી ટ્રાન્સફર કર્યા હતા અને ત્યાર બાદ જગદીશ નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો અને ઓનલાઇન પરીક્ષા માટે વેબસાઇટ લીંક મોકલી હતી. ઓનલાઇન પરીક્ષા આપ્યાના બે દિવસમાં ઓફર લેટર મોકલાવી નોમીની માટે પિતાનો આઘારકાર્ડ અને ફોટો તથા ટ્રેનીંગ સિક્યુરીટી પેટે રૂ. 11,152 અને યુનિફોર્મ પેટે રૂ. 15,550, મેડીકલ માટે રૂ. 21,400, ઇન્સ્યોરન્સ પેપર માટે રૂ. 32,152 અને એગ્રીમેન્ટ માટે રૂ. 65,550 સહિત અલગ-અલગ ચાર્જીસ મળી કુલ રૂ. 3,54,422 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યાર બાદ યુનિફોર્મસ, ટ્રાઉઝર્સ, લેપટોપ અને મોબાઇલ ફોન કંપની દ્વારા પાર્સલમાં મોકલાવવામાં આવશે એમ કહ્યું હતું. જો કે ત્યાર બાદ વધુ રૂ. 2.35 લાખ ટ્રાન્સફ કરવાનું કહેતા આસીફને શંકા જતા પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.

(6:09 pm IST)