Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કલોલના વેપારીની કારમાંથી આઠ લાખની લૂંટના બે આરોપીઓને ઝડપાયા

કાર રોકાવી માથાકૂટ કરી કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી નાસી ગયા :રૂપિયા અંદરો અંદર વહેંચી લીધા હતા.

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે સિંદબાદ બ્રિજ પાસે રોડ પર કાર ઊભી રખાવી કાર ચાલકની નજર ચૂકવી બાઈક અને એક્ટિવા પર આવેલા ચાર શખ્શોએ રૂ. 8 લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયા હતા. આ ગુનામાં એસીબીની ટીમે પૂર્વ બાતમીના આધારે બે આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.

કડીના સોમનાથ સોસાયટીમાં રહેતા અને એલ્યુમિનિયમ સેક્શન સ્ક્રેપ ગોડાઉન ધરાવતાં વેપારી બાલકૃષ્ણ રોશનલાલ કલાલ આજથી નવ દિવસ અગાઉ ઉઘરાણીની રકમ અન્ય વેપારીઓએ મોકલી હોવાથી કલોલની આંગડિયા પેઢીમાંથી રૂપિયા 8 લાખની રકમ લઈને બ્રેજા કાર લઈને જતા હતા. ત્યારે સિંદબાદ બ્રિજ પાસે એક્ટિવા અને બાઇક પર આવેલા ચાર શખ્સોએ કટ મારવા બાબતે તેમની કાર રોકાવી દીધી હતી.

બાદમાં વેપારીની નજર ચુકવીને આઠ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી ચારેય શખ્શો ફરાર થઈ ગયા હતા. જે અંગે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અન્વયે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલાની ટીમે કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરી ઉક્ત ગુનાનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી હતી.

જેનાં પગલે મળેલી બાતમીના આધારે કલોલ અંબિકા બ્રિજ નજીકથી બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં એક્ટિવા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જેમના નામ ઠામ પૂછતાં તેમણે પોતાના નામ પ્રફુલ ઉર્ફે પારસ અતુલભાઈ ઘમંડે (રહે. સંતોષી નગરના છાપરા, કુબેર નગર) તેમજ કુણાલ ઉર્ફે તીરીયો કિરીટભાઈ ગારંગે (રહે. સુભાષનગર છાપરા, છારાનગર અમદાવાદ) હોવાની કબૂલાત કરી હતી.

જેમની કડકાઈથી વધુ પૂછતાંછ કરતાં પ્રફુલ ઘમંડેએ કબૂલાત કરી હતી કે આજથી નવ દિવસ અગાઉ તેના અન્ય મિત્રો સની અને અમિત સાથે એમ ચારેય જણાં એકસેસ – બાઈક લઈને કલોલ આવ્યા હતા. અને સિંદબાદ બ્રિજ નજીક કટ મારવા બાબતે બાલકૃષ્ણની કાર રોકાવી માથાકૂટ કરી હતી. એ દરમિયાન કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી નાસી ગયા હતા. જે રૂપિયા અંદરો અંદર વહેંચી લીધા હતા.

આ અંગે પીઆઈ એચ પી ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ તપાસ કરતાં એક વર્ષ અગાઉ ચાંદખેડા ખાતે ગાડીનો કાચ તોડી બેગની ઉઠાંતરી કરેલી હતી. તેમજ અડાલજના હનુમાન મંદિર ખાતેથી પણ દોઢ લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી તેમજ ભાટ અને કલોલ ખાતેથી પણ આજ રીતે ગુના આચર્યા હતા. જેઓ ચોરીના ગુનામાં પકડાયા હોવાની પણ હકીકત બહાર આવી છે.

(7:14 pm IST)