Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કાલથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો પણ શુભારંભ કરાશે

અમદાવાદ :રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે સમયબદ્ધ આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે કાલ તા.1લી જાન્યુઆરીએ રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો તથા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો શુભારંભ કરાશે.

મંત્રી મોદીએ ઉમેર્યુ કે, નવસારીના સાંસદ સી.આર.પાટિલ હસ્તે આવતીકાલે સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, મેયર હેમાલીબેન બોઘાવાલાની વિશેષ ઉપસ્થિત રહેશે.

તેમણે ઉમેર્યુ કે, આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ.તા. 1 જાન્યુ.2022 થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ 4 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે.

રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.

વેન્ચુરા દ્વારા વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. 1999 ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે

રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરીચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલેપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર જોય રાઈડ સેવાનો પણ કેબિનેટ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે આજથી શુભારંભ થશે.

આ હેલિકોપ્ટરનો હવે ગુજરાતના પ્રવાસીઓ માટે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે અને સીનીયર સીટીઝન યાત્રીઓને યાત્રાધામોના દર્શન માટે ઉપયોગી સાબીત થશે. તદ્દઉપરાંત આ હેલિકોપ્ટરનો ઉપયોગ વાયબ્રન્ટ ગુજરાતમાં પણ મહાનુભાવો માટે ઉપયોગ કરી શકાશે.

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ, નિયામક, નાગરિક ઉડ્ડયન અને CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(9:32 pm IST)