Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમદાવાદમાં ઓમિક્રોન વેરિઅન્ટનું લોકલ સંક્રમણ પણ શરૂ

આજે ઓમિક્રોનના નવા 6 કેસ નોંધાયા જેમાં કોઈ જ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી નથી

અમદાવાદ :શહેરમાં કોરોનાના કેસોમાં આવેલો ઉછાળો યથાવત રહેવા પામ્યો છે.શુક્રવારે એક જ દિવસમાં 311 નોંધાતા ચિંતાના વાદળો વધુ ઘેરા બન્યા છે. વળી જેનો ડર હતો તે ઓમિક્રોન વેરિઅન્ટનું લોકલ સંક્રમણ પણ શરૂ થઈ ગયું છે. શુક્રવારે શહેરમાં ઓમિક્રોનના નવા 6 કેસ નોંધાયા છે. આ કેસની કોઈ જ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આથી ઓમિક્રોનના દર્દીમાંથી લોકલ સંક્રમણ આવ્યું હોવાનું મ્યુનિ. તંત્ર માની રહ્યું છે.

ગત્ સોમવારથી કોરોનાએ ખાનાખરાબી સર્જવાનું શરૂ કર્યું છે. એક સપ્તાહથી કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. શુક્રવારે એકસાથે 311 કેસ નોંધાતા સ્થિતિ વધુ ગંભીર બની છે. મ્યુનિ. સૂત્રોના જણાવ્યા મુજબ આજના 311 કેસ મળીને કુલ કેસની સંખ્યા એક હજાર ઉપર પહોંચી ગઈ છે. જો કે હજુ સુધી એટલી રાહત છે કે હજાર ઉપર કેસ હોવા છતાં 30 જેટલા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. આજે પણ મોટાભાગના કેસ શહેરના પિૃમ વિસ્તારમાંથી મળ્યાં છે. ન્યૂ રાણીપ, વાસણા, નવરંગપુરા, ગોતા, દાણીલીમડા, શાહીબાગ, અને નિકોલ સહિતના વિસ્તારોમાં કેસની સંખ્યા વધુ જોવા મળી છે.

બીજી તરફ આજે શહેરમાં ઓમિક્રોનના નવા 6 કેસ નોંધાયા છે. આ છમાં બે પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ચિંતાની બાબત એ છે કે આ તમામ છ દર્દીઓની કોઈની ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મ્યુનિ.ના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ કેસમાં ઓમિક્રોનના જૂના દર્દીઓનું લોકલ સંક્રમણ લાગ્યું હોવાની વાત સામે આવી રહી છે.

આ ઉપરાંત આજે મ્યુનિ.કમિશનર લોચન સહેરા અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને ડીડીઓ, ડેપ્યુટી મ્યુનિ.કમિશનરો, તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તથા આરોગ્ય અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તેમજ રસીનો બીજો ડોઝ બાકી હોય તેવા લોકોનું રસીકરણ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો અમલ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રસીકરણ માટે પોલીસ તંત્રનો સહકાર માંગવામાં આવ્યો હતો.

(12:54 am IST)