ગુજરાત
News of Monday, 1st February 2021

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં 3 પ્રવક્‍તાઓની નિમણુંક કરી

અમદાવાદઃ  અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લેમીન પાર્ટીએ  છેવટે ગુજરાતમાં 3 પ્રવક્તાની  નિમણૂંક કરી દીધી. ગુજરાતમાં ત્રીજા રાજકીય મોરચાના વિકલ્પનો દાવો કરનાર ઓવૈસીની પાર્ટી આમ રહી રહીને જાગી છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા છતાં હજી સુધી પાર્ટીએ ગ્રાઉન્ડ લેવલે કોઇ કામ કર્યુ નથી. માત્ર સાબિર કાબલીવાલાની પાર્ટી પ્રમુખ તરીકે નીમણૂક કરી હતી.

AIMIMએ સામાજિક કાર્યકર્તા અને વકીલ શમશાદ પઠાણ, ઓવેસ મલિક અને કાર્યકર્તા દાનીશ કુરેશીની પ્રવક્તા તરીકે નિમણુંક કરી. અગાઉ AIMIMએ ગુજરાત અધ્યક્ષ તરીકે સબીર કાબલીવાલા અને મહામંત્રી તરીકે હામિદ ભટ્ટીની નિમણુંક કરી હતી. એવું કહેવાય છે કે ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં જોઇએ તેવી રીતે હજુ સક્રીય થઇ નથી. તેની પાછળ ઓવૈસી ભાજપના જ ઇશારે કામ કરતા હોવાનો આક્ષેપ છે.

ઓવૈસી 4 ફેબ્રુઆરીએ ગુજરાત આવી રહ્યા છે

નોંધનીય છે કે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી 4 તારીખે ગુજરાત આવી રહ્યા છે. તેમના માટે રિવર ફ્રન્ટ પર એક વિશાળ જનસભાનું આયોજન કરાઇ રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીની આશા રખાઇ રહી છે. ઉપરાંત એવું પણ ચર્ચાિ રહ્યું છે કે ઓવૈસીના ગુજરાત આગમન બાદ કોંગ્રેસથી નારાજ કેટલાક લઘુમતિ નેતાઓ પણ ઓવૈસીની પાર્ટીમાં જોડાઇ શકે છે.

શમશાદ પઠાણ જન સંઘર્ષ મંચમાં હતા

એડવોકેટ શમશાદ પઠાણ વર્ષ 2005માં તેમના માર્ગદર્શક મુકુલ સિન્હાની આગેવાનીમાં જન સંઘર્ષ મંચમાં જોડાયા હતા. ત્યારપછી એડવોકેટ મુકુલ સિન્હા સાથે 2002 રમખાણની તપાસ કરનાર નાણાવટી પંચ સમક્ષ પણ એડવોકેટ તરીકે હાજર રહ્યા હતા. શમશાદ પઠાણે નરોડા ગામ – નરોડા પાટિયા, ઇશરત જહાં, સોહરાબુદ્દીન અને સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં એડવોકેટ તરીકે હાજરી આપી છે.

ઓવેસ મલિક મોબલિંચિંગ સામે અવાજ ઊઠાવી ચૂક્યા છે

એડવોકેટ ઓવેસ મલિકે પણ મોબ લિંચિંગની ઘટનાઓ સામે ઉવાજ ઉઠાવી ચૂક્યા છે. માનવ અધિકારોના ઉલ્લંઘન કેસમાં તેમણે લડત આપી છે. સામાજિક કાર્યકર્તા દાનીશ કુરેશી પણ લઘુમતી સમાજને લગતા મુદા પર સ્ક્રીયતાથી પોતાના અભિપ્રાય ખુલ્લીને મૂકે છે.

નોંધનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ઓવૈસીની AIMIM પાર્ટી છોટુ વસાવવાની BTP પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

(5:13 pm IST)