ગુજરાત
News of Monday, 1st March 2021

ટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ, પોલીસને ફોન પર દીધી ધમકી :અજાણ્યા શખ્શ વિરુદ્ધ ફરિયાદ

શિવરંજની ટ્રાફિક બુથમાં આગ લાગી હોવાનો ખોટો મસેજ આપ્યો: પોલીસે ફોન કરનારનો સંપર્ક કરતા ધમકી આપી

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કંટ્રોલરૂમમાં અજાણ્યા શખ્સે ફોન કરીને મેસેજ આપ્યો હતો કે શિવરંજની ટ્રાફિક બુથમાં આગ લાગી છે. જેથી પોલીસે કંટ્રોલ મેસેજ એન ડિવિઝન ટ્રાફિકની ગાડીને આપતા તેઓ શિવરંજની ટ્રાફિક બુથ આગળ નિકળ્યા હતા. જોકે ત્યાં પહોંચતા ટ્રાફિક બુથમાં આગ લાગવાની કોઈ ધટના ન હોવાનું સામે આવ્યુ હતુ.

પોલીસે આગનો કંટ્રોલ મેસેજ કરનારા નંબર પર ફોન કરી સંપર્ક કરતા ફોન કરનાર શખ્સે પોલીસને કહ્યુ હતુ કે "તમે ટ્રાફિક પોલીસના માણસો મને દરરોજ હેરાન કરો છો", "હું રાત્રિના આવીને ટ્રાફિક બુથ સળગાવી નાખીશ અને બ્લાસ્ટ કરાવી નાખીશ, તમારાથી થાય તે ઉખાડી લેજો" તેવી ધમકી આપી ગાળો બોલી અને ફોન કાપી નાખ્યો હતો.

આ અજાણ્યા શખ્શે ખોટો મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે દોર્યો હોવાથી તેમજ ટ્રાફિક બુથ સળગાવી દેવાની ધમકી આપી અને ગાળાગાળી કરી હોય જેથી સેટેલાઇટ પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

(11:50 am IST)