ગુજરાત
News of Monday, 1st March 2021

પડયા પર પાટુઃ ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનો ખર્ચને ઉમેદવારોના હિસાબમાં ગણવાનો ચૂંટણી આયોગનો નિર્ણય

પાર્ટીએ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના ૨૦ સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી આયોગને સમયસર મોકલી નહોતી

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનો ખર્ચ ઉમેદવારના હિસાબમાં ગણાશે. ઉમેદવારો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારોએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે ત્યારે બીજી તરફ ચૂંટણી આયોગે ચૂંટણી દરમિયાન પ્રચારમાં આવેલા કોંગ્રેસી સ્ટાર પ્રચારકોના ખર્ચને ઉમેદવારોના હિસાબમાં ગણવા નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના ૨૦ સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી આયોગને મોકલી હતી. જોકે આ યાદી સમયસર મોકલી ન હતી.

સ્ટાર પ્રચારકોનાં નામની યાદી જણાવવા માટેની ૯ ફેબ્રુઆરી છેલ્લી તારીખ હતી, કોંગ્રેસે આ યાદી ૧૩ ફેબ્રુઆરીએ જમા કરાવી હતી. ચૂંટણી આયોગના અધિકારીએ કહ્યું કે, કોંગ્રેસે પ્રચારકોની યાદી મહાનગરપાલિકાની ચૂંટણીના કિસ્સામાં મોડી રજૂ કરી હોવાથી મહાનગરપાલિકાની ચૂંટણી અંગેના ખર્ચ ઉમેદવારોના ખાતામાં યથા પ્રસંગ ઉમેરવા જણાવ્યું હતું.

(4:43 pm IST)