ગુજરાત
News of Monday, 1st March 2021

દહેગામ- બાયડ રોડ પર ટ્રક સાથે ટકકર બાદ કારમાં આગ ભભૂકીઃ દરવાજા ખુલી નહિ શકતા ડોકટર દંપતીનું મોત

કારને ભડભડ સળગતી જોતા પસાર થનારા વાહન ચાલકોના શ્વાસ અધ્ધર થઈ ગયા

ગાંધીનગરઃ દહેગામ-બાયડ રોડ પર આવેલા રોયલ સ્કૂલની લીહોડા વચ્ચે આજે ટ્રક અને ક્રેટા ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ભભુકી ઉઠી હતી. ગણતરીની મિનિટોમાં કારમાં લાગેલી આગે રોંદ્ર સ્વરૂપ ધારણ કરતા નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે અગાઉ આગની લપેટમાં કારમાં બેઠેલા ડોકટર દંપત્તીનું કરૂણ મોત નિપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટના અંગે તપાસ આદરી હતી.

ગાંધીનગર દહેગામ બાયડ રોડ પર રોયલ સ્કુલથી લીહોડા ગામ વચ્ચે બપોરના સમયે આઇવા ટ્રક નંબર અને ક્રેટા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાર રસ્તા પાસે રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી. ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં જ કાર આગનો ગોળો બની ગઇ હતી. કારને ભડભડ સળગતી જોતા પસાર થનારા વાહન ચાલકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

અકસ્માત થતા કારમાં આગ લાગી હતી. કારના દરવાજા ખુલી નહી શકતા હોવાને કારણે દંપત્તીનું કારમાં જ મોત થઇ ગયું હોવાની પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું. ગાયનેક ડો. મયુર શાહની પુત્રી પંકિત પણ ડોકટર છે. અકસ્માતની જાણ થતા જ તેમનો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે ડોકટર દંપત્તીનાં મોતને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

(4:44 pm IST)