ગુજરાત
News of Monday, 1st March 2021

ગાંધીનગર:દહેગામ-બાયડ રોડ નજીક બપોરના સમયે કાર ટ્રક સાથે અથડાતા આગ ભભુકતા દંપતીનું કમકમાટીભર્યું મોત

ગાંધીનગર:જિલ્લાના દહેગામ-બાયડ રોડ ઉપર મોસમપુર પાસે આજે બપોરના સમયે પસાર થઈ રહેલી કાર ટ્રક સાથે અથડાયા બાદ રોડ સાઈડમાં ભળભળ સળગી ઉઠી હતી. જેથી તેમાં સવાર બાયડનું તબીબ દંપતિ આગમાં ભડથું થઈ ગયા હતું. ઘટનાની જાણ થતાં દહેગામ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ શરૃ કરી છે. 

ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે બપોરના સમયે દહેગામ-બાયડ રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં કારમાં જ બાયડનું તબીબ દંપતિ ભડથું થઈ ગયું હોવાની વિગતો બહાર આવી રહી છે. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામ બાયડ રોડ ઉપર રોયલ સ્કુલથી લિહોડાની વચ્ચે મોસમપુર પાસે કાર નં.જીજે-૩૧-ડી-૧૭૪૬ નંબરની કાર બાયડ તરફ જઈ રહી હતી તે સમયે સામેથી આવતી ટ્રક નં.જીજે-૦ર-ઝેડ-૫૭૧૧ સાથે અકસ્માત થયો હતો અને આ કાર રોડસાઈડમાં ઘુસી ગઈ હતી અને તેમાં આગ લાગી હતી. જોતજોતામાં આખેઆખી કાર આગમાં લપેટાઈ હતી. જેના પગલે આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ દહેગામ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ તો મેળવી લીધો હતો પરંતુ તેમાં સવાર બે વ્યક્તિઓ ભડથું થઈ હતા.

(5:28 pm IST)