ગુજરાત
News of Monday, 1st March 2021

ગાંધીનગર નજીક કોબા-અડાલજ હાઇવે માર્ગ નજીક રાજસ્થાનના વેપારીને પોલીસની ઓળખ આપી લૂંટી લેનાર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગાંધીનગર:નજીક કોબા-અડાલજ હાઈવે માર્ગ ઉપર રાજસ્થાનના વેપારીને પોલીસની ઓળખ આપીને લૂંટી લેવાની ઘટના બની હતી. જેમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના થુર ગામમાં રહેતા મોહનભાઈ પ્રેમાજી બાગરી મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં કાચના શોપીસ વેચવાનું કામ કરતાં હતા. ગત ગુરૃવારના તે તેમના પુત્ર સંજય અને ભત્રીજા કિશન સાથે રીક્ષામાં બેસીને ત્રિમંદિર અડાલજ આવવા માટે નીકળ્યા હતા. આ સમયે કોબા-અડાલજ હાઈવે માર્ગ ઉપર તેમની રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે જીજે-૦૧-કેબી-૭૦૮૮ નંબરની કારમાં બે શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને રીક્ષા રોકી હતી. મોહનભાઈને આ બે શખ્સોએ પોતે પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને  તેમની પાસે રહેલો ૩.૨૭ લાખ રૃપિયા ભરેલો થેલો લઈ તેમને અડાલજ પોલીસ ચોકી આવવા માટે કહયું હતું. જેથી મોહનભાઈ અને તેમના પુત્ર અને ભત્રીજો રીક્ષામાં અડાલજ પહોંચ્યા હતા પરંતુ ત્રણ રસ્તા પાસે કોઈ પોલીસ ચોકી નહીં હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને આ ગુનાનો ભેદ ઉકેલવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને હેકો.વિજયસિંહને બાતમી મળી હતી કે આ ગુનાના સાગરીતો ભાટ સર્કલ પાસે ચોરેલી રકમનો ભાગ પાડવા ભેગા થયા છે જેના પગલે પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને જગદીશ અગરાજી માલી રહે.ગોપાલનગર ઘાટલોડીયા મુળ રાજસ્થાન અને શંકર ધનજીભાઈ બાવરી રહે. સે-ર૪ ઈન્દિરાનગરને કાર અને મોપેડ સાથે ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ર૦ હજારની રોકડ કબ્જે કરવામાં આવી હતી. પુછપરછમાં જગદીશે જણાવ્યું હતું કે તેમના સાગરીત રાજુ મારવાડીએ ફોન ઉપર કહયું હતું કે શંકર બાવરીના સગા મહારાષ્ટ્રથી રૃપિયા લઈ રાજસ્થાન જઈ રહયા છે અને તેમની પાસેથી આ રૃપિયા લેવાનો પ્લાન ઘડયો હતો. જેમાં જગદીશ માલી અને રાજુ મારવાડીના મિત્ર કાર લઈને પહોંચ્યા હતા અને પોલીસની ઓળખ આપી આ છેતરપીંડી કરી હતી. હાલ રાજુ મારવાડી અને તેના સાગરીતની શોધખોળ શરૃ કરવામાં આવી છે. 

(5:29 pm IST)