ગુજરાત
News of Monday, 1st March 2021

GCCI અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર

ઉદ્યોગોની સમસ્યાઓના નિરાકરણ કરવા સ્ટાર્ટઅપ્સ સાથે જોડાવાની તકોની શોધનો ઉદ્દેશ

અમદાવાદ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ઉદ્યોગોની સમસ્યાઓના નિરાકરણ કરવા સ્ટાર્ટઅપ્સ સાથે જોડાવાની તકોની શોધના ઉદ્દેશ સાથે આજે એટલે સોમવારે ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (આઇ-હબ) સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારે જીસીસીઆઇના માનદ્દ મંત્રી પથિક પટવારીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને જીસીસીઆઇ દ્વારા આઇ-હબ સાથે સંયુક્ત રીતે લેવામાં આવેલી આ પહેલ સમયની માંગ છે. કારણ કે કોઇપણ ગુજરાતનો સ્ટાર્ટઅપ યુનીકોર્ન તરીકે ઊભરી આવ્યું નથી. આ પહેલ દ્વારા ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારને એકસાથે લાવવામાં આવશે. ઓછામાં ઓછા એક સ્ટાર્ટ અપને ત્રણ વર્ષના ગાળામાં યુનિકોર્નમાં રૂપાંતરિત કરવા સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે

જીસીસીઆઇના પ્રમુખ નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે, જીસીસીઆઇ આ પ્રોજેક્ટને સફળ બનાવવા અને ગુજરાતમાં સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવા ઉદ્યોગને સામેલ કરવા કટિબધ્ધ છે.

રાજયના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ અંજુબેન શર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ એમઓયુને સફળ બનાવવા માટે રસ, ઉદ્દેશ અને તીવ્રતાની જરૂર રહેશે. સમસ્યાઓની ઓળખ, એકત્રિકરણ અને માર્ગદર્શન એ ત્રણ ક્ષેત્રોમાં જીસીસીઆઇની મદદની જરૂર પડશે.

આઇ-હબના સીઇઓ હિરણમય મહંતાએ કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓ, ઇન્ક્યુબેટર્સ અને ઉદ્યોગોને સાથે સાંકળી રાજયમાં સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ બનાવવા માટે આઇ-હબની ભૂમિકા વિશે સમજાવ્યું હતું. તેમણે જીસીસીઆઇ સ્ટાર્ટ અપ્સને માર્ગદર્શન આપવા માટે ઉદ્યોગના માર્ગદર્શકો તૈયાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે

ઉચ્ચ શિક્ષણ નિયામક તથા આઇ-હબના ડાયરેકટર એમ. નાગરાજને જણાવ્યું હતું કે, આવી પહેલ થકી વિચારોને મૂર્તમાન કરવા માટે ભારતીયકુત મોડેલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના સર્વોચ્ચ ચેમ્બર તરીકેની નૈતિક ભૂમિકાના ભાગરૂપે જીસીસીઆઇને રાજયના વધુને વધુ સ્ટાર્ટઅપ અને રોકાણકારોને જોડવા માટે નેટવર્કનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

 

માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝના કમિશનર રણજીથકુમારે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવાની પહેલને બિરદાવતાં જણાવ્યું હતું કે, નવીન વિચારોને લાઇબ્રેરીથી ઉપયોગમાં લાવવાનો આ એકમાત્ર રસ્તો છે. એમએસએમઇ માટે ઓછા માર્જીનના કારણે સંશોધન માટે ખર્ચ કરવું મુશ્કેલ છે. અને તેથી એવી સંસ્થાઓ હોવી જરૂરી છે કે, જેઓ તેમના વતી સંશોધન કરી શકે.

આઇ-હબના ચીફ મેન્ટર ડો. હિંમાશુ પંડયાએ આ પહેલની પ્રશંસા કરવાની સાથે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, દરેક ભાગીદાર સંસ્થાની જવાબદારીઓ સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે તે સારું છે. આ પહેલની સફળતાને સુનિશ્ચિત કરવા માટે સુસંગતતા અને સાતત્ય મુખ્ય પરિબળો રહેશે.

જીસીસીઆઇના સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ સૂચન કર્યું હતું કે, જીસીસીઆઇના પ્રાદેશિક ચેમ્બર્સની એક ખાસ મીટિંગ આ પહેલને શરુ કરવા માટે ગોઠવી શકાય. જયારે જીસીસીઆઇના સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન અમીત પરીખે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું

આ કાર્યક્રમમાં રાજયના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ અંજુબેન શર્મા, ઉચ્ચ શિક્ષણ નિયામક અને આઇ-હબના ડાયરેકટર એમ. નાગરાજન, માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝના કમિશનર જે. રણજીથકુમાર તથા આઇ-હબના ચીફ મેન્ટર ડો. હિંમાશુ પંડયા ઉપરાંત આઇ-હબના સીઇઓ હિરણમય મહંતા હાજર રહ્યાં હતા

(10:07 pm IST)