ગુજરાત
News of Sunday, 1st August 2021

કલાકારીના એક અધ્યાયનો અંત : રાજપીપળાના પૂર્વ શિક્ષક નિરંજન માળીનું 81 વર્ષની વયે નિધન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો આબેહૂબ વેશ ધારણ કરી સરકારી કચેરીઓમાં પહોંચી ગયેલ : છેલ્લા 50 વર્ષોમાં એમણે ધાર્મિક, સામાજિક, રાજકીય સહિત 1500 જેટલા પાત્રોને વેશભૂષા દ્વારા આબેહૂબ રજૂ કર્યા હતા

રાજપીપળાની શ્રી મહારાજ રાજેન્દ્ર સિંહજી વિદ્યાલયના પૂર્વ શિક્ષક નિરંજન માળીનું ભરૂચ ખાતે 81 વર્ષની વયે નિધન થયું છે.એમના નિધનની સાથે કલાકારીના એક અધ્યાયનો અંત થયો છે.એમણે પોતાના જીવનકાળ દરમિયાન પોતાની વેશભૂષાની કલાકારી દ્વારા લોકોને જ્ઞાન સાથે ગમ્મત પુરૂ પાડ્યું હતું. તેઓ વિવિધ રાજપુરુષો, ધર્મપુરુષોની વેશભૂષાઓમા પહેલી વાર જોનારા માણસો તો એમને અદ્દદલ જે તે પુરુષ કે દેવ ગણી તેમના ચરણ સ્પર્શ લઈ આશિષ લઈ ખુશી અનુભવતા હતા.નિરંજન માળીના નિધનથી એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કલા પ્રેમીઓએ એમની સાથેની જૂની યાદોને વાગોળી હતી.

રાજપીપળામાં 29/09/1940 ના રોજ જન્મેલા નિરંજન માળીને નાનપણથી જ વિવિધ નાટકો ભજવવાનો અને વેશભૂષા ધારણ કરવાનો શોખ હતો. એ શોખને તેઓ જીવનના અંતિમ સમય સુધી વળગી રહ્યા હતા. રાજપીપળાની શ્રી મહારાજ રાજેન્દ્ર સિંહજી વિદ્યાલયમાં તેઓ 04/11/1963 ના રોજ ગુજરાતી વિષયના શિક્ષક તરીકે નોકરીએ લાગ્યા અને 14/06 1990 ના રોજ એમણે સ્વૈચ્છીક નિવૃત્તિ પણ લઈ લીધી,નિવૃત્તિ બાદ તેઓ ભરૂચ ખાતે વંશ પરંપરાગત માળીના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હતા.

શિક્ષક તરીકેના દિવસો દરમિયાન તેઓ અવાર નવાર વ્યક્તિ વિશેસની વેશભૂષા ધારણ કરી સમાજને દિશા ચીંધવાનું કામ કરતા, છેલ્લા 50 વર્ષોમાં એમણે ધાર્મિક, સામાજિક, રાજકીય સહિત 1500 જેટલા પાત્રોને વેશભૂષા દ્વારા આબેહૂબ રજૂ કર્યા હતા.તેઓ શિક્ષક તરીકેની નોકરી કરતા કરતા બાળકોને સાંસ્કૃતિક પ્રવૃતિઓ શીખવાવા માટે પોતે અલગ અલગ પાત્રો પણ ભજવતા હતા.

સ્વ.નિરંજનભાઈ માળીને જલારામ બાપા, અવધૂત મહારાજ, સાઈ બાબા, પ્રમુખ સ્વામી મહારાજ, ટીપું સુલતાન, શિવાજી, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મનમોહન સિંગ, નરેન્દ્ર મોદી સહિત અનેક પાત્રોને સફળ રીતે સમાજ સમક્ષ રજુ કર્યા હતા.સ્વ.નિરંજનભાઈ માળીએ ગુજરાતી ફિલ્મ રેતીના રતનમાં મુખીનું પાત્ર ભજવ્યું હતું, દરમિયાન ફિલ્મના કલાકાર નરેશ કનોડિયા, અરવિંદ ત્રિવેદીએ એમના આ પાત્રને બિરદાવ્યું હતું.

એમણે આદીવાસી વિસ્તારોમાં ઘણા બધા વેશભૂષાના કાર્યક્રમો કરી લોકોને જાગૃત પણ કર્યા છે.અચરજની વાત તો એ છે કે વેશભૂષાના પાત્ર માટે તેઓ મેક અપ પણ પોતાની જાતે જ અરીસા સામે ઊભા રહી કરતા હતા.નામી સંસ્થાઓ, શાળાઓ અને મહાશાળાઓ દ્વારા સ્વ.નિરંજનભાઈ માળીનું વિશેસ રૂપે સન્માન પણ કરાયું હતું. નર્મદા જિલ્લામાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય અથવા રાષ્ટ્રીય કાર્યક્રમ હોય સ્વ.નિરંજનભાઈ માળી એ કાર્યક્રમ મુજબની વેશભૂષા ધારણ કરી ત્યાં પ્હોંચી જતા હતા.

પ્રમુખ સ્વામીના ભવ્ય રૂપમાં સૌ ચાહકોને’ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ’ કરતાં ભક્તિમય બનાવી દીધા હતા.ગાંધીજીના રૂપે લોકોને એમના સત્યાગ્રહના આંદોલનને ભરૂચના રસ્તા પર “મહાત્મા ગાંધી કી જય, મહાત્મા ગાધીકી જય” થી ગુંજતા કરી દીધા હતા.તેઓએ એક વાર પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિહની વેશભૂષા ધારણ કરી રાજપીપળાની સરકારી કચેરીમાં પહોંચી જતા કર્મચારીઓ રીતસરના ડઘાઈ ગયા હતા, એક સમયે તો કર્મચારીઓએ પણ માની લીધું હતું કે વડા પ્રધાન પોતે આવી ગયા છે.એક રંગમંચના અચ્છા કલાકાર એવા મુઠ્ઠી ઉચેરા એક અદ્વિતિય પુરુષ સ્વ.નિરંજનભાઈ માળી જીવ્યા ત્યાં સુધી રંગમંચ સાથે જોડાયેલા રહ્યા હતા.

(8:56 pm IST)