ગુજરાત
News of Sunday, 1st August 2021

માત્ર પ્રચાર : અમદાવાદ મ્યુનિ. શાળાઓમાં એકપણ હાઇટેક સ્કૂલ બનાવવામાં આવી નહીં હોવાનો ઘટસ્ફોટ

ગુજરાત સરકાર દ્વારા બજેટની ફાળવણી કરવામાં આવી નહીં હોવાનો જવાબ આપતાં પ્રચારનો પરપોટો ફૂટ્યો

અમદાવાદ : હાઇટેક સ્કૂલો બનાવવામાં આવી હોવાનો પ્રચાર છેલ્લાં કેટલાંક સમયથી થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ અમદાવાદ શહેરની મ્યુનિ. શાળાઓમાં એક પણ હાઇટેક સ્કૂલ બનાવવામાં આવી નથી. ત્યાં સુધી કે 2014-15થી હાઇટેક સ્કૂલ બનાવવા પાછળ ગુજરાત સરકાર દ્વારા કોઇ બજેટની ફાળવણી કરવામાં આવી નહીં હોવાનો જવાબ આપતાં પ્રચારનો પરપોટો ફૂટી જવા પામ્યો છે.

શહેરના સરસપુર વિસ્તારમાં રહેતાં અલ્પેશભાઇ ડી. ભાવસારે વર્ષ 2014-15થી 2020-21 સુધીમાં કેટલી હાઇટેક સ્કૂલો કયા કયા બનાવવામાં આવી અને તેની પાછળ કેટલો ખર્ચ થયો તેની વર્ષવાર માહિતી સહિત દરેક સ્કૂલમાં કયા કયા પ્રકારની અદ્યતન પુરી પાડવામાં આવી છે તેની સ્કૂલવાર માહિતી સહિત 11 જેટલાં મુદ્દાઓની વિગતો જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે માંગી હતી. આ વિગતોનો જવાબ આપતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે, હાલમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા એક પણ હાઇટેક સ્કૂલ બનાવવામાં આવી નથી. તેમજ વર્ષ 2014-15થી હાઇટેક સ્કૂલો બનાવવા પાછળ ગુજરાત સરકાર દ્વારા કોઇ બજેટની ફાળવણી કરવામાં આવી નથી.

જયારે 2021-22 માટે મ્યુનિ. શાળાઓમાં શાળા કક્ષાએથી આસપાસના વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હોવા અંગેના પ્રશ્નના જવાબમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ જણાવ્યું છે કે, કોઇ રેકર્ડ અત્રેની કચેરીમાં નિભાવવામાં આવતો નથી અને ભોજન અને શિષ્યવુતિ પાછળ સ્કૂલ વાઇઝ થયેલા ખર્ચની બાબતમાં કહ્યું છે કે, આ માહિતી ખૂબ જ વિશાળ પ્રમાણમાં હોવાથી અને શાળા કક્ષાએ માહિતી હોવાથી અત્રેની કચેરીએ ઉપલબ્ધ ન હોવાથી આપી શકાય તેમ નથી. તેમ જ શિક્ષકના વિષય વાઇઝ તેમનું એજ્યુકેશન અને પગારની માહિતી બાબતે આ માહિતી અધિકાર અધિનયમ હેઠળ આપી શકાય તેમ નથી તેવો જવાબ આપ્યો છે. આ બંને જવાબોથી નારાજ સામાજિક કાર્યકર અલ્પેશ ભાવસારે ઉચ્ચ અધિકારી સમક્ષ અપીલ કરી છે

(9:25 pm IST)