ગુજરાત
News of Sunday, 1st August 2021

ACBના કમાન્ડોએ કેનાલમાં ઝંપલાવીને બેને બચાવી લીધા

તાર કાપીને અંદર ઝંપલાવ્યું : ભાટ ગામ નજીક પોતાના આઠ વર્ષના દીકરાની સારવાર કરાવી ઘનશ્યામસિંહ ઘરે જઈ રહ્યા હતા ત્યારની ઘટના

અમદાવાદ,તા.૧ : મારવા વાળા કરતા બચાવવા વાળો મહાન કહેવાય છે. અને  આ ઉક્તિ સાચી ઠરી છે એસીબીના કમાન્ડો ઘનશ્યામસિંહ જાડેજાના કિસ્સામાં. એસીબીના આ કમાન્ડોએ  નર્મદા કેનાલમાં ડુબતા બે લોકોને જીવ બચાવ્યા છે. પોતાના કમાન્ડોના આ બહાદુરી ભર્યા કામને એસીબીએ બિરદાવ્યું છે અને હવે ACB પ્રાઇમમિનિસ્ટર્સ મેડલ ફોર લાઈફ સેવિંગ માટે ડિપાર્ટમેન્ટમાં દરખાસ્ત કરશે. ગાંધીનગર ભાટ ગામ નજીક પોતાના ૮ વર્ષના દીકરાની સારવાર કરાવી ઘનશ્યામસિંહ ઘરે જઈ  રહ્યા હતા ત્યારની આ ઘટના છે. જ્યારે તેઓ ભાટ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નર્મદા કેનાલ પર ટોળું ઊભેલું જોયું. તેઓએ તપાસ કરતા કોઈ વ્યક્તિ નર્મદા કેનાલમાં ડૂબી રહ્યો હતો. ઘનશ્યામસિંહએ પળવારનો પણ વિચાર કર્યા વગર પોતાની ગાડીમાંથી પક્કડ લઈ કેનલ પર પહોંચ્યા. કેનાલ પર ફેંસિંગ કરી લગાવેલા તાર કાપ્યા. અને ત્યાં ઉભેલા એક-બે લોકોની મદદથી તેઓ તાર વડે કેનાલમાં ઉતર્યા અને કેનાલમાં ડૂબી રહેલા ૪૦ વર્ષીય વ્યક્તિનો જીવ બચાવ્યો. આ વ્યક્તિના પત્ની એક વર્ષ અગાઉ ડિપ્રેશનમાં હોઈ તેઓ પોતાનું જીવન ટુકવવા કેનાલમાં પડ્યા હતા. પરંતુ ઘનશ્યામસિંહની સમય સુચકતા અને સુજબૂજના કારણે તેઓનો જીવ બચી ગયો. આ ઘટના બાદ ઘનશ્યામસિંહ પોતાના પુત્રને ઘરે મૂકી પરત ફરી રહ્યા હતા ત્યારે ફરી એવી ઘટના જોવા મળી. કેનાલ પર ટોળું ઉભું હતું. અને એક વ્યક્તિ ડૂબી રહ્યો હતો. કેનાલ પાસે કાપેલા પડેલા ફેંસિંગના એ તારની મદદથી ફરી ઘનશ્યામસિંહ કેનાલમાં ઉતર્યા અને એ ડૂબતી વ્યક્તિનો જીવ તેઓએ બચાવ્યો. વિસનગરના રહેવાસી ૮૪ વર્ષીય આધેડ શ્વાસની બીમારીથી પીડાતા હતા અને અંતે કંટાળી જઈ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. એસીબીના ડીવાએસપી વાઘેલાએ જણાવ્યું કે ઘનશ્યામસિંહ જાડેજા એસીબીના જોઈન્ટ ડાયરેકટરના કમાન્ડો તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાના બીમાર દીકરાની સારવાર કરાવી ઘરે જતા હતા એ સમયે કેનાલમાં ડુબતા લોકો બચાવ્યા છે. તેઓએ ઘનશ્યામસિંહની આ બહાદુરીભરી કામગીરીને બિરદાવી હતી સાથે તેઓએ ઉમેર્યું કે એસીબી પ્રાઇમમિનિસ્ટર્સ મેડલ ફોર લાઈફ સેવિંગ માટે ડિપાર્ટમેન્ટમાં દરખાસ્ત કરશે.

(9:44 pm IST)