ગુજરાત
News of Sunday, 1st August 2021

વૃદ્ધાની મદદ કરવાના બહાને ૩૦ હજાર રૂપિયા ઉપાડી લીધા

ATM બદલીને લોકોના પૈસા ઉપાડતી ગેંગ સક્રિય : અજાણ્યો યુવક આવ્યો હતો અને કહ્યું કે, લાવો પૈસા કાઢી આપું, તેનાથી પૈસા ન ઉપડતા કાર્ડ પરત આપી દીધું હતું

અમદાવાદ,તા.૧ : વૃદ્ધાની મદદ કરવાને બહાને એટીએમ કાર્ડ બદલીને અજાણ્યા શખ્સે ૩૦૦૦૦ રૂપિયા ઉપાડી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વૃદ્ધા બીજા દિવસે બેક્નમાં એન્ટ્રી પડાવવા ગયા હતા ત્યારે ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થઈ હતી. જેથી આ મામલે વૃદ્ધાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ બહેરામપુરા વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષીય જયાબહેનના પતિ મગનભાઈ પરમાર એસબીઆઈ બેક્નમાં ખાતું ખોલાવ્યું છે. જેનું એટીએમ જયાબહેન યુઝ કરતા હતા. ૨૮ જુલાઈના રોજ જયાબહેન તેમના પતિ સાથે ઘરના કામથી ગોળલીમડા ગયા હતા. દરમિયાન ભુલાભાઈ ચાર રસ્તા નજીક એટીએમમાં પૈસા ઉપાડવા ઉભા હતા, પરંતુ કોઈ કારણોસર પૈસા ઉપડતા ન હતા. આ દરમિયાન એટીએમમાં અજાણ્યો યુવક આવ્યો હતો અને કહ્યું કે, લાવો પૈસા કાઢી આપું. તેનાથી પણ પૈસા ન ઉપડતા કાર્ડ પરત આપી દીધું હતું. એટીએમમાંથી પૈસા ન ઉપડતા જયાબહેન એસબીઆઈ બેક્નની મેઈન બ્રાન્ચમાં ગયા હતા. ત્યારે તપાસ કરતા એટીએમ તેમના પતિ ન હતું જ નહીં. તેમના પાસે કોઈ ઉર્મિલાબહેનના નામનું એટીએમ આવી ગયું હતું. તેથી જયાબહેને એટીએમ પડી ગયું હશે તેવું લાગ્યું હતું. જેથી તેઓ નવું એટીએમ કાર્ડ લેવા અને પાસબુકમાં એન્ટ્રી કરાવવા બેક્નમાં ગયા હતા, જ્યાં એન્ટ્રી પડાવતા ૨૮મીના રોજ ૨૯ હજાર અને ૨૯મીના રોજ એક આમ ખાતામાંથી કુલ ૩૦૦૦૦ રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થતાં તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ખાતામાંથી પૈસા ઉપડી જતાં તેમના એકાઉન્ટમાં ૭૧ હજાર જ વધ્યા હતા. જેથી તેમનું એટીએમ કોઈ અજાણ્યા વ્યક્તિ બદલીને પૈસા ઉપાડી લીધાનો ખ્યાલલ આવ્યો હતો. આ મામલે તેઓએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

(9:35 pm IST)