ગુજરાત
News of Monday, 2nd August 2021

આજે ફ્રેન્ડશીપ ડે : મિત્રતાની આડમાં બે ગદ્દારોએ કરી 25 લાખની છેતરપીંડી : ભોગ બનેલ યુવકનો આપઘાત

પોલીસે બે ગદ્દાર મિત્રો વિરૂદ્ધ આત્મહત્યા કરાવવા માટે દુષ્પેરણાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી

સુરત : આજે વિશ્વ મિત્રતા દિવસ છે. મિત્ર એટલે સગા ભાઈ કરતા પણ વધારે, મિત્ર એટલે તેના પર લોકો આંધળો વિશ્વાસ કરે છે પણ આ જ આંધળા વિશ્વાસનો લાભ લઈ બે મિત્રોએ મિત્રતાની આડમાં એક મિત્ર સાથે 25 લાખ રૂપિયા IPOમાં (શેર બજારમાં) ઇન્વેસ્ટ કરાવી રૂપિયા નહીં ચૂકવી છેતરપીંડી આચરી હતી. જોકે આખરે છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે બે ગદ્દાર મિત્રો વિરૂદ્ધ આત્મહત્યા કરાવવા માટે દુષ્પેરણાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરતના અલઠાણ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય અમિત અશ્વિન સુથારે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અમિત ભાઈને બે મિત્રો હતા જેનું નામ ભાર્ગવ ચૌધરી અને કમલેશ પટેલ છે.

તેઓની સાથે ધંધો કરવો હોઈ શેર બજારનો ધંધો સારો હોઈ તેમને શેર બજારનો ધંધો ભાગીદારમાં ધંધો શરૂ કરવો હતો. આથી ધીમે-ધીમે અમિત ભાઈના ગ્રાહકો પાસે શેર બજારમાં 25 લાખ જેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરાવ્યા હતા ત્યાર બાદ સમય જતાં ઇન્વેસ્ટ કરાવેલા રૂપિયાનું વળતર ગ્રાહકો માંગવા લાગ્યા. પરંતુ આ ઇન્વેસ્ટમેન્ટનુ વળતર તેના બે મિત્રો પાસે તેણે માંગ્યું તો બંને મિત્રોએ ઉડાઉ જવાબ આપી વારંવાર રૂપિયા માંગતા અમિત ભાઈને આ બંને ગદ્દાર મિત્રોએ રૂપિયા આપ્યા ન હતા.

વારંવાર બંને મિત્રો પાસે રૂપિયા માંગવા છતા તેઓએ રૂપિયા નહીં આપતા આખરે એક દિવસ અમિત ભાઈએ પોતાની પત્નીને ફોન કરી કહ્યું કે તેની તબિયત સારી નથી અને તે તેનો ફોન બંધ કરી ઘરે આરામ કરે છે. જેથી તેને કોઈ ડિસ્ટર્બ ન કરે. આખરે અમિત ભાઈએ એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેના બંને ગદ્દાર મિત્રો વિશે તેની ગદ્દારી સાથે જ રૂપિયા 25 લાખ બેંક થ્રુ આ બંનેને આપ્યા હોઈ તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ પણ કર્યો હતો. સાથે જ આ બને ગદ્દાર મિત્રોને કડકમાં કડક સજા મળે તેવી પણ વાત કરી છે.

ત્યારે પોલીસે સુસાઇડ નોટ અને પત્નીની ફરિયાદના આધારે બંને ગદ્દાર મિત્રો વિરૂદ્ધ આત્મહત્યા દુષ્પેરણાનો ગુનો નોંધી એક આરોપી ભાર્ગવ ચૌધરીની ધરપકડ કરી છે અને અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 

(9:57 pm IST)