ગુજરાત
News of Monday, 2nd August 2021

પંજાબમાં પરિણીતાની જેઠ કરતા છેડતી : વિરોધ કરતા તેણીને ભૂત વળગ્યું હોવાનું કહીને તાંત્રિક પાસે લઈ જતો

પતિ, જેઠ અને સાસરીયા સામે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ

અમદાવાદ: કૃષ્ણનગરની યુવતી લગ્ન કરી પંજાબ ગઈ જ્યાં જેઠ છેડતી કરતો હતો. લગ્ન બાદ સાસરીયા પણ ત્રાસ આપતા અને જેઠનો વિરોધ કરતા તેણીને ભૂત વળગ્યું હોવાનું કહીને તાંત્રિક પાસે લઈ જતો હતો. આ અંગે પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કૃષ્ણનગર સૈજપુર વિસ્તારમાં 31 વર્ષિય રાધા(નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ 2014માં પંજાબમાં મિહીર સાથે થયા હતા. સાસરીયાને સંતાનમાં દિકરો પરંતુ રાધાને દિકરીના જન્મ બાદ સાસરીયાનું વર્તન બદલાઇ ગયું હતું. તે દિકરીને જન્મ આપ્યો છે અને અમારા ઘરનુ સત્યાનાશ કરી નાંખ્યું છે, આવા મહેણાં ટોણાં મારતા હતા. મહિર પણ રોજ દારૂ પી રાધાને વગર વાંકે ગાળો બોલી હેરાન પરેશાન કરતો હતો.

રાધા પર જેઠ નજર બગાડતા હતા. જેથી રાધાએ તેમને જણાવ્યું હતું કે, તમે મારા પિતા સમાન છો તમને આવું શોભતુ નથી. સામે જેઠ જણાવતા કે, મને તારા વગર મન લાગતું નથી તેમ કહી અડપલાં કરતા હતા. આ અંગે કોઇને વાત કરીશ તો તારા છુટાછેડા કરાવી દઇશ તેવી જેઠે ધમકી આપી હતી. વારંવાર આવા વર્તનથી કંટાળી રાધાએ જેઠાણી, સાસુ-સસરા અને પતિને જાણ કરી હતી. બધાએ જેઠનો પક્ષ લઇ રાધાનો વાંક કાઢી તેને ગાળો ભાંડી કહ્યું કે, તું કાળમુખી બનીને અમારા ઘરમાં આવી છે ત્યારબાદ સાસરીયાએ રાધાને ઢોર માર મારતા હતા.

થોડા સમય બાદ સાસરિયા કહેતા કે, તને ભૂત વળગ્યું છે. અને તાંત્રીક વિધી કરાવતા હતા. સાસરીયાને ચંપલનો ધંધો કરવો હોવાથી રાધાના પિતાએ સૈજપુરમાં જગ્યા કરી આપી હતી અને ભાડે મકાન પણ લઇ આપ્યું હતું. તેથી સાસરિયા અમદાવાદ રહેવા આવી ગયા હતા. આ અંગે રાધાએ પતિ, જેઠ અને સાસરીયા સામે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

(10:29 pm IST)