ગુજરાત
News of Sunday, 1st August 2021

અમદાવાદ રેલવે સ્ટેશને પીએમ મોદીએ નવો કાયદો બનાવ્યાનું કહી ઠગાઈ કરતાં બે ઝડપાયા

ટ્રેનમાં મુસાફરી વખતે રૂ.2 હજારથી વધારે પૈસા રાખી શકે નહીં , નહિતર જેલમાં પુરવામાં આવશે. તેમ જણાવી યુવક પાસેથી રૂ.3 હજાર પડાવી લીધા

અમદાવાદ રેલવે સ્ટેશન પર પંશ્ચિમ બંગાળના એક યુવકને બે ઠગ મળી ગયા હતા. મોદી સાહેબે રેલવેમાં એક કાયદો બનાવ્યો છે જેમાં ટ્રેનમાં મુસાફરી કરતા સમયે એક વ્યક્તિ પોતાની પાસે રૂ.2 હજારથી વધારે પૈસા રાખી શકે નહીં અને જો 2 હજારથી વધુ પૈસા હશે તો જેલમાં પુરવામાં આવશે. તેમ જણાવી યુવક પાસેથી રૂ.3 હજાર પડાવી લીધા હતા. આસપાસના મુસાફરોએ આ ટોળકીના બે સભ્યોને પકડી રેલવે પોલીસને સોંપ્યા હતા. આ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પંશ્ચિમ બંગાળમાં રહેતા ફરીદભાઈ આલમ અઢી માસ પહેલા અમદાવાદ ખાતે કામ કરવા માટે આવ્યા હતા. શનિવારે તેઓ અજમેર શરીફ ખાતે જવા નીકળ્યા હતા જેથી અમદાવાદ રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. બાદમાં એક અજાણ્યા શખ્સે ફરીદભાઈની પુછપરછ કરતા અજમેર જવું હોવાનું જણાવ્યું હતું. પીએમ મોદીએ રેલવેમાં એક કાયદો બનાવ્યો છે જેમાં રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા સમયે એક વ્યક્તિ પોતાની પાસે રૂ.2 હજારથી વધારે રૂપિયા રાખી શકે નહીં અને જો રૂ.2 હજારથી વધુ રૂપિયા હશે તો જેલમાં પુરવામાં આવશે તેમ આ શખ્સે જણાવ્યું હતું. આ કાયદો જાણી ફરીદભાઈ ગભરાઈ ગયા હતા અને તેમની પાસે રહેલા રૂ.3000 હજાર આ બે અજાણ્યા શખ્સોએ લઈ લીધા હતા.

બાદમાં આ બંન્ને શખ્સોએ તમે અંહી ઉભા રહો રેલવે તરફથી તમે જે પૈસા અમને આપ્યા છે તેનો પાસ આપવામાં આવશે અને રેલવે પાસ તમારી પાસે હશે તો તમારી પાસે રહેલ રૂ.2 હજારથી વધારે રૂપિયા હશે તો તમારી પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેમ જણાવીને બંન્ને શખ્સો રૂ.3 હજાર લઈ ગયા હતા. દરમિયાનમાં અમુક મુસાફર અને કર્મચારીઓને પૂછતાં આવો કોઈ કાયદો ન હોવાનું જણાવ્યું હતું. જેથી મુસાફરોએ આ ટોળકીના બે સભ્યોને પકડી પાડ્યા હતા. ઠગ ટોળકીને રેલવે પોલીસને સોંપતા આ શખ્સો મેલા રામ કુમાવત અને ઓમારામ પટેલ હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે રેલવે પોલીસે બન્ને શખસો સામે ફરિયાદ ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

(11:58 pm IST)