ગુજરાત
News of Tuesday, 1st September 2020

અમદાવાદમાં 27 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટમાં મૂકાયાં

હરિઓમ નગરમાં 200 ઘરના 800 લોકો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં સમાવેશ

અમદાવાદ: કોરોના મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વિકટ બનતી જતી હોવાનું જણાઇ રહ્યું છે. હોસ્પિટલમાં દાખલ કે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ઓછી જણાતી હશે. પરંતુ માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકાતાં વિસ્તારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. અમદાવાદ શહેરમાં આજે 27 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકાયાં છે.ગઇકાલે આ આંકડો 382 પર હતો. તે વધીને 390 પર પહોંચ્યો છે.

આજે પણ વટવાના સાર્થક બાદ હરિઓમ નગરના 200 ઘરના 800 વ્યક્તિઓ માઇક્રો કન્ટેઇનમેન્ટ હેઠળ આવી ગયા છે.કોઇપણ વિસ્તારમાં એકદમ કોરોના પોઝીટીવની સંખ્યા વધુ હોય તેવી સોસાયટી કેફલેટના અમૂક વિસ્તારને જ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટમાં મૂકવામાં આવે છે.

રવિવારે અમદાવાદ શહેરમાં 382 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા.તે પૈકી આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 19 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.એટલે આ વિસ્તારોને 382 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી બાદ કરીએ તો 363 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો રહ્યા હતા.પરંતુ તેની સામે આજે 27 નવા વિસ્તારોમાં નવા કેસ રિપોર્ટ થયેલા હોવાથી નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર તરીકે 390 વિસ્તારો જાહેર થયા હતા.આમ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોની સંખ્યા વધતી જાય છે.

ઉપરોક્ત જાહેર કરાયેલા નવા કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા 28મી ઓગસ્ટથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાન પર આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ પણ લેવામાં આવશે.

આજે માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં ઉમેરાયેલા વિસ્તારોમાં મધ્ય ઝોનમાં આજે પણ એકપણ વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકાયો નથી.તેની સામે ઉત્તર ઝોનમાં 5 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5, પૂર્વ વિસ્તારમાં 2,દક્ષિણ ઝોનના 12 તથા પશ્ચિમ ઝોનના 2 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 વિસ્તાર ઉમેરાયો છે

(12:20 am IST)