ગુજરાત
News of Tuesday, 1st September 2020

તત્કાલીન જેલર રામજીભાઇ રબારી અને ગાર્ડ ડાયાભાઇને પોલીસે સકંજા લીધા

ભચાઉની સબ જેલમાં દારૂની મહેફીલ મામલે નવો વળાંક : જયંતીભાઇ ભાનુશાળીની હત્યા કેસના આરોપી જયંતી ઠક્કર વિગેરેની દારૂ પાર્ટીમાં જેલના જવાબદારોની સંડોવણી ખુલતા ધોરણસર અટક કરી છેઃ ડીવાયએસપી પિયુષ પીરોજીયાની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા., ૧: ર૦૧૯ની સાલના મે માસની રર મી તારીખે ભચાઉની સબ જેલમાં ભાજપના એક સમયના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઇ ભાનુશાળીની હત્યા કેસના આરોપીઓ જયંતીભાઇ ઠક્કર ઉર્ફે જયંતી ડુમરા વગેરે દ્વારા સબ જેલની અંદર અન્ય કેદીઓ સાથે ઇંગ્લીશ દારૂની મહેફીલ સંદર્ભે સ્થાનીક પોલીસે પાડેલ દરોડાની તપાસ રાજકોટ રેલ્વેના વિભાગીય પોલીસ અધિકારીને સુપ્રત થતા જ ભચાઉ સબ જેલના તત્કાલીન જેલર રામજીભાઇ રબારી તથા જેલગાર્ડ ડાયાભાઇ સોંડાભાઇની અટક કર્યાનું ડીવાયએસપી અને સીટના અધિકારી પિયુષ પીરોજીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

ભચાઉ સબ જેલમાં દારૂની મહેફીલની બાતમી સંદર્ભે મામલતદાર તથા સ્થાનીક ડીવાયએસપી દ્વારા ચેકીંગ કરી અને ૩ અલગ-અલગ ગુન્હાઓ જે તે સમયે રજીસ્ટર કરવામાં આવ્યા હતા.

સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેના ડીજીપી  ટી.એસ.બિસ્ત દ્વારા સદરહું ગુન્હાની તપાસ  રેલ્વેના વિભાગીય વડા પી.પી.પીરોજીયાને સુપ્રત થતા તેઓ દ્વારા થયેલી ઝીણવટભરી તપાસમાં ભચાઉ સબ જેલના તત્કાલીન જેલર રામજીભાઇ રબારી તથા જેલ ગાર્ડ ડાયાભાઇ સોંડાભાઇની સંડોવણી હોવાના આરોપસર તેઓની અટક કરી તેઓને ભચાઉ કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કર્યા હતા.

(1:06 pm IST)