ગુજરાત
News of Tuesday, 1st September 2020

સુરતના ગોડાદરા રોડ નજીક મોપેડ પર સાસુને બેસાડી જવું મહિલાને ભારે પડ્યું: બે અજાણ્યા શખ્સો સાસુના ગળામાંથી 40 હજારની કિંમતનો અછોડો તોડી ફરાર

સુરત: શહેર ના ગોડાદરા ખાતે રહેતા કેમિકલ વેપારીની પત્ની અઠવાડીયા અગાઉ પરિવાર સાથે બોમ્બે માર્કેટ રોડ સ્થિત સંબંધીના ઘરે જમી સાસુને મોપેડ ઉપર બેસાડી રાત્રે ઘરે પરત ફરતી હતી ત્યારે મગોબ બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો તેના સાસુના ગળામાંથી રૂ.40,000ની કિંમતનો સોનાનો અછોડો તોડી ફરાર થઈ ગયા હતા. બનાવ બન્યો ત્યારે કેમિકલ વેપારી ત્રણ સંતાનોને કારમાં લઈ આગળ નીકળી ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ અમરેલીના વતની અને સુરતમાં ગોડાદરા મણિભદ્ર કેમ્પસ બિલ્ડીગ નં-વી ફ્લેટ નં.404 માં રહેતા 37 વર્ષીય ભારતીબેન રાજેશભાઇ બલદાણીયાના પતિ કેમિકલ વેપારી છે. ગત 26 મીના રોજ ભારતીબેન પતિ, સાસુ હંસાબેન અને ત્રણ સંતાનો સાથે બોમ્બે માર્કેટ રોડ સ્થિત સંબંધીના ઘરે જમી સાસુને મોપેડ ઉપર બેસાડી રાત્રે ઘરે પરત આવવા નીકળ્યા હતા. તે સમયે પતિ અને ત્રણ સંતાનો કારમાં હોય આગળ નીકળી ગયા હતા. દરમિયાન, 10:15 કલાકે ભારતીબેન પરવતગામ ખાડી બ્રીજથી મહારાણા પ્રતાપ ચાર રસ્તા જતા મેઇન રોડ ઉપર મગોબ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી આવેલી મોટરસાયકલ ઉપર સવાર બે અજાણ્યા પૈકી પાછળ બેસેલાએ હંસાબેનના ગળામાંથી રૂ.40 હજારની કિંમતનો અછોડો તોડયો હતો અને બંને ધૂમ સ્ટાઈલમાં મોટરસાયકલ લઈ ફરાર થઈ ગયા હતા.

(6:02 pm IST)