ગુજરાત
News of Tuesday, 1st September 2020

સુરત:અઠલાઈન્સમાં મોટરસાયકલ છોડાવવા આવેલ લોકો પાસેથી ગેરકાયદે પૈસા પડાવનાર ટ્રાફિક પોલીસના ટાઉટની ધરપકડ

સુરત: શહેરના અઠવાલાઇન્સ સ્થિત ચોપાટી ખાતે જમી લેવાયેલી મોટરસાઇકલ છોડાવવા માટે ક્રેઇનના ટાઉટ દ્વારા ગેરકાયદેસર રીતે રૂા. 350 લેતા હોવાનો વિડીયો વાઇરલ થવાની ઘટનામાં ઉમરા પોલીસે ફરિયાદ નોંધી ટાઉટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત રોજ શહેરીજનોના સોશિયલ મિડીયામાં એક વિડીયો વાઇરલ થયો હતો. વિડીયોમાં અઠવાલાઇન્સ સ્થિત ચોપાટી ખાતે ટ્રાફિક પોલીસના ગોડાઉન પાસે શહેર પોલીસની ટ્રાફિક ક્રેઇન પર નોકરી કરતો યુવાન મોટરસાઇકલ માલિક પાસેથી રૂા. 350 ગેરકાયદેસર રીતે લેતો નજરે પડે છે. વિડીયો વાઇરલ થતા પોલીસ કમિશનર હરકતમાં આવ્યા હતા અને ટ્રાફિક એસીપી એચ.ડી. મેવાડાને તપાસના આદેશ આપ્યા હતા. જે અંતર્ગત મોટરસાઇકલ માલિક પિયુષસીંગ રૂપમતસીંગને શોધી કાઢયો હતો અને ટાઉટ બબલુ ઉર્ફે સરદાર નાનાભાઇ મોરે (.. 35 રહે. નાગસેન નગર, પાંડેસરા) વિરૂધ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસની ક્રેઇન દ્વારા પિયુષસીંગની મોટરસાઇકલ પીપલોદ રાહુલરાજ મોલ પાસેથી કબ્જે લઇ ચોપાટી ખાતે ગોડાઉનમાં જમા કરવામાં આવી હતી. જેથી પિયુષ ચોપાટી ખાતે આવ્યો હતો જયાં તેનો ભેટો ક્રેઇન પર નોકરી કરવાની સાથે ટાઉટગીરી કરતા બબલુ ઉર્ફે સરદાર સાથે થયો હતો અને તેણે કોઇ સ્ટાફ નથી એમ કહ્યું હતું. ત્યાર બાદ રૂા. 650 અને ત્યાર બાદ રૂા. 500 અને રૂા. 400ની માંગણી કરી હતી અને છેલ્લે રૂા. 350 ગેરકાયદેસર રીતે લઇ મોટરસાઇકલ પરત આપી દીધી હતી.

(6:04 pm IST)