ગુજરાત
News of Tuesday, 1st September 2020

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કચેરીમાં સમય પર ન આવતા કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો

ગાંધીનગર:મહાનગરપાલિકા વિસ્તારમાં પેથાપુર નગરપાલિકા સહિત ૧૮ ગ્રામ પંચાયતો ભેળવી દેવાઈ છે ત્યારે અહીં કેટલાક ગામોમાં પાણી, સ્ટ્રીટલાઈટ અને ગટરના પ્રશ્નો ઉભા થતાં મેયરે આજે વિસ્તારોની ઓચિંતી મુલાકાત લઈ અધિકારી, કર્મચારીઓ સાથે ચર્ચા કરી સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. એટલું નહીં કચેરીમાં ગેરહાજર અને મોડા આવતાં કર્મચારીઓ સામે કડક હાથે કામગીરી કરવા માટે આદેશ આપ્યો હતો.      

ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને તેમાં પેથાપુર નગરપાલીકા સહિત આસપાસના ૧૮ ગ્રામ પંચાયતોને ભેળવી દેવામાં આવી છે હવે સમગ્ર વિસ્તારનું સંચાલન ગાંધીનગર કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહયું છે. કોર્પોરેશને પોતાના કર્મચારીઓ મુકયા બાદ દસ જેટલા તલાટીઓને વિવિધ કામગીરી માટે ચાર્જ પણ સોંપ્યો છે ત્યારે આવી સ્થિતિમાં અત્યાર સુધી ગામોમાં પાણી, ગટર અને સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સવલતોમાં કોઈ અગવડતા જોવા મળતી નહોતી પરંતુ કેટલાક ગામોમાં સવલતો સંદર્ભે ફરિયાદો ઉઠતાં કોર્પોરેશન તંત્ર પણ ચોંકી ઉઠયું છે જેના પગલે આજે મેયર રીટાબેન પટેલે કોર્પોરેશનના ડે.મ્યુનિ.કમિશનર જીતેન્દ્ર અગ્રવાલ અને અન્ય અધિકારીઓ સાથે પેથાપુર, રાંધેજા, કોલવડા અને વાવોલ ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. મેયરની મુલાકાતને પગલે અધિકારી, કર્મચારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. તમામ કચેરીઓમાં બેસી તેમણે કામગીરીની સમીક્ષા કરી હતી અને પ્રશ્નો પણ સાંભળ્યા હતા

(6:05 pm IST)