ગુજરાત
News of Saturday, 1st October 2022

સુરતના વરાછા વિસ્તારમાં હીરા પેઢીના મેનેજરે સાગરીતો સાથે મળી 2.75 કરોડના હીરા બારોબાર વેચી મારતા છેતરપિંડીની ફરિયાદ દાખલ

સુરત, : સુરતના વરાછા ઉમીયાધામ મંદીર પાસે આવેલી વર્ધન જેમ્સના મુખ્ય મેનેજરે બીજા મેનેજર અને ભૂતપૂર્વ કર્મચારી તેમજ દલાલ સાથે મળી રૂ.2.75 કરોડના 49 હીરા બહાર વેચી દેતા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહેસાણાના ઊંઝાના વાલણ ગામના વતની અને સુરતમાં પાલ આરટીઓ પાસે વૈષ્ણવદેવી લાઈફ સ્ટાઇલ પાસે એફ/901 માં રહેતા 51 વર્ષીય અર્ણવભાઇ ચંદ્રકાંતભાઇ જોષી વરાછા ઉમીયાધામ મંદીર પાસે કે.પી.સંઘવી બિલ્ડીંગમાં વર્ધન જેમ્સન નામે હીરાની પેઢી ધરાવે છે. ડાયમંડ મેન્યુફેક્ચરીંગનું કામ કરતી તેમની પેઢીમાં નીમેશભાઇ પ્રાગજીભાઇ દિયોરા ( રહે. એ/54, વિઠ્ઠલનગર સોસાયટી, વરાછા, સુરત ) છેલ્લા પાંચ વર્ષથી મુખ્ય મેનેજર તરીકે નોકરી કરે છે. અર્ણવભાઇ જે હીરા નીમેશભાઇને આપે તે તેમની નીચેના કારીગરોને આપે છે અને કારીગરો હીરા તૈયાર કરી પરત આપે તે નીમેશભાઇ અર્ણવભાઇને આપે છે. જોકે, ગત 1 જૂનથી 3 સપ્ટેમ્બર દરમિયાન અર્ણવભાઈએ આપેલા રૂ.2.75 કરોડના 49 નંગ હીરા નીમેશભાઈએ પરત નહીં કરતા માંગ્યા તો નીમેશભાઈએ મેનેજર સતિષભાઇ મગનભાઇ પરમાર ( રહે. ઇ/204, સ્વર્ગ રેસીડન્સી, ખોલવાડ, તા.કામરેજ, જી.સુરત ) ને વેચવા આપ્યા છે તેમ જણાવ્યું હતું.તેમને પૂછતાં તેમણે તેમાંથી 34 હીરા બે વર્ષ અગાઉ કંપનીમાં કામ કરતા દિવ્યેશ દેવજીભાઇ કરકર ( રહે. સી/501, મંગલમ રેસીડન્સી, ઉત્રાણ, સુરત ) ને આપ્યાનું જણાવ્યું હતું.તેને ફોન કરી બોલાવી પૂછતાં તેણે હીરા દલાલ કુંજન વસંતભાઇ મહેતા ( રહે. ડી/01, નીલકમલ એપાર્ટમેન્ટ, અઠવા, સુરત ) ને આપ્યા હતા.કુંજનને પૂછતાં તેણે હીરા વેચીને રૂ.1.50 કરોડ દિવ્યેશને આપ્યાનું કહેતા તમામની પુછપરછ કરી તો દિવ્યેશે સતિષને અને સતિષે પૈસા નીમેશભાઈને આપ્યા હતા.

(4:58 pm IST)