ગુજરાત
News of Wednesday, 1st December 2021

બહું લાંબુ ભાષણ થાય તો શું થાય: હું હંમેશા સામે વાળાનો જ વિચાર કરીને જ ચાલું છું : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ કહ્યું- લોકો ના છુટકે બેઠા હોય, કોઈ પ્રેમથી બેઠું હોય, કોઈ દબાણથી બેઠું હોય મેં પણ સ્ટેજની સામે બેસવાની તકલીફ ભોગવેલી છે:સૌરાષ્ટ્ર પટેલ સમાજના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં સીએમ નિખાલસ મૂડમાં

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ આજે અમદાવાદમાં યોજાયેલા સૌરાષ્ટ્ર પટેલ સમાજના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, સ્ટેજ પર બેઠેલા અનેક લોકો વારાફરતી ભાષણ કરે છે અને આ ભાષણો એટલા લાંબા હોય છે કે લોકો કંટાળી જાય છે. બહું લાંબુ ભાષણ થાય તો શું થાય? લોકો ના છુટકે બેઠા હોય, કોઈ પ્રેમથી બેઠું હોય, કોઈ દબાણથી બેઠું હોય મેં પણ સ્ટેજની સામે બેસવાની તકલીફ ભોગવેલી છે. એટલે હું હંમેશા સામે વાળાનો જ વિચાર કરીને જ ચાલું છું. જેથી સમાજના પ્રસંગો વધારે લાંબા નહીં પણ વધારેમાં વધારે એકથી દોઢ કલાકના હોવા જોઈએ. એનાથી વધારે લાંબા ના હોવા જોઈએ.

સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, સરકારમાં મારી પહેલી નેમ એવી છે કે નાનામાં નાના માણસને ઓછી તકલીફ પડે એવી રીતે મારે કામ કરવું છે. નાનો માણસ ધક્કે ચઢે તો એ કેટલી મુસીબતમાં મુકાય છે એતો એ જ જાણતો હોય છે. કોઈ પણ વ્યક્તિ જગાડવા માટે મળે તો અમને કોઈ વાંધો નથી. અમારે તો સમાજ અને પ્રજાનું સારુ થાય એવો જે રસ્તો બતાવે, એમાં સાથી પક્ષના મિત્રો હોય, સમાજજનો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય પણ એમની વાતમાં સમાજનું ભલું થતું હોય તો એ કરવા માટે હું અને મારી ટીમ તૈયાર છીએ.

શિક્ષણ, મેડિકલ, ઉદ્યોગ, કૃષિ કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે અને દરેક જણ સારી રીતે કામ કરી શકે તેવી રીતે કામ કરવું છે. શબ્દોની માયાજાળમાં ક્યાંક કશું અટવાતું હોય એ દુર કરીને આગળ વધવા માટેનો અમારો પ્રયત્ન છે. આપણા સમાજમાં આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. પાટીદાર સમાજની જેમ દરેક સમાજો દ્વારા આજે શિક્ષણ ક્ષેત્રે સારુ કામ થઈ રહ્યું છે. એટલે જ દેશમાં ગુજરાત આજે નંબર વન છે.

હું આજે અહીં આવ્યો અને બધાએ મને દાદા કહીને બોલાવ્યો, ત્યારે બધાને મારે દાદા તરીકે એક વાર્તા કહેવી છે. દાદાની વાર્તા સાંભળવી જોઈએ. આપણે જ્યારે વૃક્ષા રોપણ કરતાં હોઈએ ત્યારે છોડમાં રણછોડ એમ કહીએ છીએ. પરંતુ આપણને એકબીજામાં રણછોડ નથી દેખાતો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું પડે. જો આપણને એકબીજામાં રણછોડ દેખાય તો અનેક પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. ઝગડા, કકળાટ, અદેખાઈ હરિફાઈ જેવું કશું રહે જ નહીં. તેમણે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને સંબોધીને ટીખળ કરતાં કહ્યું હતું કે, એમાંય જો મને અને પરેશભાઈને એકબીજામાં રણછોડ દેખાય તો એના જેવું ઉત્તમ બીજું કશું નથી. આપણે આત્મનિર્ભર ભારતની જેમ આત્મનિર્ભર ગુજરાત બનાવવાનું છે.

(10:27 pm IST)