ગુજરાત
News of Friday, 2nd April 2021

લગ્નોમાં રીંગ સેરેમની - મહેંદી - સંગીત અને રિસેપ્શન સમારોહ પર કાપ : ઇવેન્ટવાળાની માઠી

કોરોના - લોકડાઉન - મંદીની ઘેરી અસર : લોકો ડેસ્ટીનેશન વેડીંગથી પણ ભાગવા લાગ્યા : મોંઘાદાટ હોલ પણ રખાતા નથી

અમદાવાદ તા. ૨ : કોરોના વાયરસના કારણે લોકડાઉન, આર્થિક તંગી અને મોંઘવારીથી લગ્નમાં થતા રીંગ સેરેમની, મહેંદી, સંગીત અને રિસેપ્શન જેવા સમારંભો ઘટી ગયા છે. સામાન્ય દિવસોમાં લગ્નોત્સવ ચાર-પાંચ રસમો સાથે પુરો થતો હતો. હવે ફકત લગ્ન સમારંભ જ થાય છે તે પણ સાદાઇથી અને થોડાક મહેમાનો સાથે આ પરિસ્થિતિથી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓના સંચાલકો અને તેની સાથે સંકળાયેલા લોકો પર રોજીરોટીનું સંકટ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં જ ગયા વર્ષે કોરોનાના કારણે ભારે નુકસાન અને કામ ન મળવાના કારણે ૨૫-૩૦ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ બંધ થઇ ગઇ. ડેકોરેશનનું કામ કરતી ૨૦-૨૫ કંપનીઓ પણ બંધ થઇ ગઇ હતી.

લગ્નની સીઝન શરૂ થવાની છે ત્યાં સંક્રમણ ફરીથી વધી રહ્યું છે એટલે લોકોએ સમારંભોમાં, બજેટમાં, ખર્ચમાં ભારે કાપ મુકવાનું શરૂ કરી દીધું છે. ડેસ્ટીનેશન વેડીંગ, ફોટોગ્રાફી, સીંગર, હોટલ, મેરેજ હોલ સાથે સંકળાયેલ લોકોની આજીવિકાને અસર થઇ છે.

અમદાવાદના લગ્ન સમારંભ આયોજક પ્રિયમ કાપડીયાએ કહ્યું કે, અમદાવાદમાં સીઝન દરમિયાન રોજના સરેરાશ ૫૦૦ લગ્નો થાય છે. એક સીઝનમાં ૪૦ દિવસ મુહૂર્ત હોય છે. પણ આ વખતે મોટાભાગના આયોજનો કેન્સલ થઇ ગયા. ખાલી અમદાવાદ શહેરમાં જ લગભગ ૭૦૦ - ૮૦૦ કરોડનું નુકસાન થયું છે. પહેલા લોકો ચાર-પાંચ રસ્મો સાથે લગ્નોત્સવ કરતા હતા જે હવે ફકત એક જ મુખ્ય સમારંભ યોજે છે. એક લગ્નમાં લગભગ ૧૫૦ લોકોને રોજગારી મળે છે. કોરોનાના કારણે લગભગ ૧૫૦૦૦ લોકો પર રોજીરોટીનું સંકટ છે. જેમાં વેટર, રસોયા, ડેકોરેટર, ગીત સંગીત, ઢોલી, ફોટોગ્રાફર વગેરે સામેલ છે.

(3:26 pm IST)