ગુજરાત
News of Friday, 2nd April 2021

કડી શહેરના કસ્બા વિસ્તારમાં મકાનને નિશાન બનાવી અજાણ્યા શખ્સોએ રોકડ સહીત દાગીના મળી 3.90 લાખની તસ્કરી કરતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

કડી:શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી અજાણ્યા શખસોએ હાથફેરો કરીને રોકડ અને દાગીના મળી કુલ રૃા. ૩.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ આરંભી છે.

કડીના કસ્બા વિસ્તારમાં આવેલા સીન્ધીવાડામાં રહેતા મહંમદયુસુફ ભાઈમીયાં બેલીમની દીકરીના લગ્ન હોવાથી ઘરે મહેમાન આવ્યા હતા. પરિવાર અને મહેમાનો મોડી રાત સુધી જાગ્યા બાદ સૂઈ રહ્યા હતા. તે વખતે પરોઢીયાના સુમારે યુસુફભાઈ જાગતા તેમણે પોતાના ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો જોતા શંકા ગઈ હતી. જેથી તેમણે ઘરમાં પડેલ લોખંડનો ટ્રંક જોતા તેનું તાળું બાજુમાં પડેલું જોવા મળ્યું હતું અને તેમાં મુકેલા સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ હોવાનું માલુમ પડયું હતું. ત્યારબાદ તેમણે લગ્ન પ્રસંગે આવેલા મહેમાનો અને આજુબાજુમાં તે અંગે તપાસ કરતાં કોઈ ભાળ મળી ન હતી. છેવટે તેમણે આ અંગે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરતાં પીઆઈ ડી.બી. ગોસ્વામીએ તપાસ હાથ ધરી છે.

(5:41 pm IST)