વડોદરા કરજણ હાઇવે પર હોટલમાં દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પોલીસે ચાલકની અટકાયત કરી
વડોદરા:વડોદરા કરજણ નેશનલ હાઇવે પર પોર નજીકની એક હોટલની પાછળ ઊભું રહેલું દારૃ ભરેલું કન્ટેનર સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડી કન્ટેનરના ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે બાતમી મળી હતી કે પોર-કરજણ હાઇવે પર આવેલી આઇમાતા હોટલની પાછળ દારૃ ભરેલું એક કન્ટેનર ઊભું છે. બાતમીના આધારે વિજિલન્સની ટીમે તુરંત તપાસ કરતા હોટલની પાછળ કન્ટેનર મળ્યું હતું. કન્ટેનરના ચાલકને સાથે રાખી કન્ટેનરમાં તપાસ કરતા દારૃની ૨૯૦ પેટીઓ મળી હતી. વિજિલન્સની ટીમ દ્વારા મોડી રાત્રિ સુધી દારૃની બોટલોની ગણતરી હાથ ધરવામાં આવી હતી અને ઝડપાયેલા ચાલકની પૂછપરછ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે સ્ટેટ વિજિલન્સની અન્ય એક ટીમને પોર પાસે ઢાઢર નદીના બ્રિજ પર અકસ્માત નડયો હતો. ટ્રાફિકની વચ્ચે આગળ ટેન્કર ઊભી હતી અને પાછળ વિજિલન્સ ટીમની બોલેરો જીપ ઊભી રાખી હતી ત્યારે પાછળથી પૂરપાટઝડપે આવતી ટ્રકે ટક્કર મારતા પોલીસ જીપનો પાછળનો ભાગ દબાઇ ગયો હતો.